આસામમાં પૂરથી 21 લાખ લોકો અસરગ્રસ્તઃ 62નાં મોત

દિબ્રુગઢઃ આસામમાં પૂરથી સતત સ્થિતિ બગડી રહી છે. ગઈ કાલે છ વધુ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં પૂરથી 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યની મોટી નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, એમ એક સત્તાવાર બુલેટિનમાં માહિતી આપવામાં આવી હતી.

 આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક પૂર રિપોર્ટ અનુસાર જીવ ગુમાવનારા છ લોકોમાંથી ચાર લોકો ગોલાઘાટના રહેવાસી હતા, જ્યારે દિબ્રુઘાટ અને ચરાઇદેવમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.  આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવઝોડાથી મૃતકોની સંખ્યા 62 થઈ ગઈ છે.

રાજ્યમાં પૂરથી 29 જિલ્લાના કુલ 21,13,204 લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 57,081 હેક્ટર કૃષિ ભૂમિ જળમગ્ન છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી સામેલ છે, જ્યાં 6,48,806 લોકો અસર પામ્યા છે. કછારમાં 1,45,926, બારપેટામાં 1,31,041 અને ગોલાઘાટમાં 1,08,594 લોકોને અસર થઈ છે. હાલમાં 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં શરણ લીધું છે. વિવિધ એજન્સીઓએ નૌકાઓનો ઉપયોગ કરીને 1000થી વધુ લોકો અને 635 પ્રાણીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્યના CM હિમંત બિશ્વ સરમા પૂરની સ્થિતિની સમીક્ષા કરશે. આ પૂરમાં કુલ 2800 ગામ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર, સેના, અર્ધસૈનિક દળો, SDRFની બચાવ ટીમો અનેક જગ્યાએ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. વહીવટી તંત્રએ પ્રભાવિત લોકોને જીવનજરૂરીની ખાદ્ય સામગ્રીની વહેંચણી કરી હતી.આસામમાં વર્ષ 2013-2022 દરમિયાન રાજ્યમાં ભારે પૂરને કારણે થયેલા વિનાશને કારણે 838 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 2021માં 181 લોકોના મોત થયા છે. અવારનવાર આવતા પૂરને કારણે ત્યાંના લોકોનું જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે અને ખેતીની જમીનને પણ ઘણું નુકસાન થયું છે. આ વર્ષે પણ લોકોની આજીવિકા જોખમમાં છે.