2013ના પટના સિરિયલ-બોમ્બવિસ્ફોટ કેસમાં 9 અપરાધી જાહેર

નવી દિલ્હીઃ 2013ની 27 ઓક્ટોબરે બિહારના પાટનગર શહેર પટનાના ગાંધી મેદાન ખાતે તે વખતે વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હૂંકાર રેલી દરમિયાન થયેલા સિરિયલ બોમ્બ ધડાકાઓના કેસમાં પકડાયેલા 10માંના 9 આરોપીઓને સ્પેશિયલ NIA કોર્ટે આજે અપરાધી જાહેર કર્યા છે. એક આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યો છે.

તે રેલીમાં બપોરના સમયે 20 મિનિટના ગાળામાં થયેલા છ બોમ્બ ધડાકાઓમાં પાંચ જણના મરણ નિપજ્યા હતા અને 70થી વધારે લોકો ઘાયલ થયા હતા. છ ધડાકા રેલીના સ્થળની આસપાસ થયા હતા. બે બોમ્બ નરેન્દ્ર મોદી જ્યાંથી ભાષણ કરવાના હતા તે મંચની 150 મીટરની અંદરના વિસ્તારમાં થયા હતા. છેલ્લો બોમ્બ ધડાકો બપોરે 12.25 વાગ્યે થયો હતો. રેલીના સ્થળની નજીકથી બાદમાં ચાર જીવંત બોમ્બ મળી આવ્યા હતા.

તે બોમ્બ ધડાકાઓ માટે આઈઈડી અને ટાઈમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિકેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓએ ધડાકાઓના સૂત્રધાર હૈદર અલી ઉર્ફે બ્લેક બ્યૂટીની ધરપકડ કરી હતી. એની સાથે તૌફીક અન્સારી, મુજીબુલ્લાહ, નુમન અન્સારીની પણ ધરપકડ કરી હતી. આ દરેકના માથા માટે એનઆઈએ એજન્સીએ રૂ. પાંચ-પાંચ લાખના ઈનામની જાહેરાત કરી હતી.