ભાજપ, કોંગ્રેસમાં આવેલા 25 પક્ષબદલુ નેતાઓમાંથી 20 હાર્યા

નવી દિલ્હીઃ 2024ની ચૂંટણીથી પહેલાં દરેક નેતા ભાજપની ટિકિટને જીતની ગેરંટી માની રહ્યા હતા. એ કારણને લીધે જ અન્ય પક્ષોના નેતા ભાજપમાં સામેલ થયા હતા. ટિકિટ મેળવનારા આવા 25માંથી 20 નેતાઓ ચૂંટણી હારી ગયા છે. ભાજપની ટિકિટ નહીં મળવા પર કોંગ્રેસમાં સામેલ થનારા નેતાઓના હાલ પણ કંઈ જુદા નથી. કોંગ્રેસની ટિકિટ મેળવનારા છમાંથી પાંચ નેતા ચૂંટણી હારી ગયા છે.

પંજાબ કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ભૂતપૂર્વ CM અમરિંદર સિંહનાં પત્ની પરનિત કૌર પટિયાલા સીટ, ભૂતપૂર્વ CM બિયંત સિંહના દોહિત્ર રવનીત સિંહ બિટ્ટુ લુધિયાણા સીટ અને આપ પાર્ટીમાં ભાજપમાં આવેલા સુશીલ કુમાર, રિન્કુ સિંહ પણ જાલંધર સીટથી ચૂંટણી હારી ગયા છે.

હરિયાણામાં કોંગ્રેસ છોડીને આવેલા અશોક તંવર અને રણજિત સિંહ ચૌટાલા સિરસા બેઠકથી, રણજિત સિંહ સિસ્સારથી, રાજસ્થાનમાં મહેન્દ્રજિત સિંહ માલવીય બાંસવાડા સીટ અને ડો. જ્યોતિ મિર્ધા નાગૌર સીટ પરથી હારી ગયાં છે.

TMCમાંથી ભાજપમાં આવેલા તાપસ રોય કોલકાતા ઉત્તર સીટ, અર્જુન સિંહ બેરકપુર સીટ પરથી હારી ગયા છે. આ જ રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સુરેશ બોરા આસામના નગાંવથી અને સી. રઘુનાથ પણ કેરળની કન્નુર સીટથી  હારી ગયા છે. UPમાં BSPમાંથી ભાજપમાં આવેલા રિતેશ પાંડે આંબેડકરનગર સીટથી હારી ગયા છે.

તેલંગાણામાં KCRની પાર્ટીના કેટલાય નેતાઓને ભાજપે ટિકિટ આપી હતી, પણ બધા હારી ગયા છે. ઝારખંડમાં JMM છોડીને ભાજપમાં સામેલ થયેલા અને દુમકા સીટ પરથી ચૂંટણી લડેલા સીતા સોરેન પણ ચૂંટણી હારી ગયાં છે. કોંગ્રેસમાંથી આવેલાં ગીતા કોડા સિંહભૂમથી હારી ગયાં છે. આંધ્ર પ્રદેશના રાજમપેટ પર કોંગ્રેસથી આવેલા કિરણકુમાર રેડ્ડી પણ ચૂંટણી હારી ગયા છે.