નવી દિલ્હીઃ દેશમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને કારણે કેટલાંય રાજ્યોમાં લોકોનાં મોત થયાં છે. હીટવેવનો કહેર રાજસ્થાનથી માંડીને ઓડિશા સુધી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બિહાર અને ઝારખંડમાં લૂ લાગવાથી કમસે કમ 18 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મતદાન કર્મચારીઓ પણ સામેલ છે. ઝારખંડમાં પણ 28 લોકોના મોત થયાં છે.
બિહારમાં હીટવેવને કારણે ચૂંટણી અધિકારી પણ ખરાબ રીતે લૂની ચપેટમાં આવી ગયા છે. બિહાર ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 10 ચૂંટણી કર્મચારીઓ સહિત 18 લોકોનાં મોત થયાં છે.ઓડિશા સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં લૂ લાગવાથી પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 18 સંદિગ્ધ કેસોની તપાસ જારી છે. બિહારમાં સૌથી વધુ મોત ભોજપુરમાં થઈ છે. અહીં ચૂંટણી ડ્યુટી પર તહેનાત પાંચ અધિકારીઓનાં લૂ લાગવાને કારણે મોત થયાં છે. રોહતાસમાં ત્રણ અને કૈમૂર તથા ઔરંગાબાદ જિલ્લામાં એક-એક ચૂંટણી અધિકારીનું મોત થયું છે.
ઝારખંડમાં લૂ લાગવાથી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 1326 અન્ય લોકોને ગરમીથી સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઝારખંડના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ડાલ્ટનગંજ અને ગઢવા જેવાં સ્થાનોમાં તાપમાન 47 ડિગ્રીથી વધુ રહ્યું હતું.હવામાન વિભાગે ત્રીજી જૂન સુધી હીટવેવની સ્થિતિ જારી રહેવાની આગાહી કરી છે. વિભાગે તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા મોસમની સ્થિતિનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.