હરિયાણા ચૂંટણીમાં 1561 ઉમેદવારોએ ભર્યું નામાંકનઃ આઠએ મતગણતરી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 1561 ઉમેદવારો મેદાનમાં છે, એમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો સામેલ છે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકડ અગ્રવાલે કહ્યું હતું॥ રાજ્યની 90 વિધાનસભા સીટોમાંથી ભિવાનીમાં સૌથી વધુ 31 ઉમેદવારો છે, જ્યારે નાંગલ ચૌધરી ક્ષેત્રમાં સૌથી ઓછા નવ ઉમેદવારો છે.

રાજ્યમાં નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર હતી, જ્યારે 13 સપ્ટેમ્બરે નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે. CM નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રની જે લાડવા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં 24 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર દાખલ કર્યાં છે.

રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ, આપની કવિતા દલાલ અને ભાજપના યોગેશ બૈરાગીની વચ્ચે આકરો ચૂંટણીજંગ છે. ભૂતપૂર્વ CM દુષ્યંત ચૌટાલાની સીટ ઉચાના કલાં પર તેમનો મુકાબલો કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહથી છે, અહીંછી 30 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં છે.

કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતકના ગઢી સાંપલા-કિલોલીથી ચૂંટણી લડી રહ્યા છે. અહીંથી 12 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સિરસાના એલનાબાદથી ઇનેલો નેતા અભય સિંહ ચૌટાલા દાવ અજમાવી રહ્યા છે. અહીં 14 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યાં છે. રાજ્યની 90 વિધાનસભા સીટના ઉમેદવારોની અંતિમ યાદી 17 તારીખે કરવામાં આવશે.આ પહેલાં 2014માં 1351 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ સંખ્યા 1169ની હતી. ભાજપ હેટ્રિક બનાવવા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી આઠ ઓક્ટોબરે થશે.