ગયાઃ બિહારના ગયા જિલ્લામાં 11 મહિલાઓ સહિત 12 જર્મન નાગરિકોએ પોતાના પૂર્વજોના આત્માની મુક્તિ માટે બુધવારે ફાલ્ગુ નદીના તટના દેવ ઘાટ પર પિંડદાન કર્યું હતું. બધી જર્મન મહિલાઓએ પારંપરિક ભારતીય સાડી પહેરીને વિષ્ણુપદ મંદિર અને દેવઘાટ પર પિંડદાન અનુષ્ઠાન અને જળ તર્પણ કર્યું હતું. તેમના ગ્રુપના એકમાત્ર પુરુષ સભ્યએ ધોતી પહેરીને પિંડદાન કર્યું હતું.
તેમણે સ્થાનિક પંડિત લોકનાથ ગૌડની સામે પિંડદાન કર્યું હતું. પિંડદાન કરવાવાળા જર્મન નાગરિકોમાં નાતાલિયા, સ્વેતલાના, ઓક્સાના, શાસા, ઇરિના, માર્ગારેટા, ગ્રિચકેવિચ, એલિસેન્ટ્રા અને કેવિન સામેલ હતા. ગયામાં 29 સપ્ટેમ્બરે શરૂ થયેલા પિતૃ પક્ષ દરમ્યાન પિતૃ પૂજા અને પિંડદાન કરવાનું બહુ શુભ માનવામાં આવે છે. પિંડદાન કર્યા પછી એલિસેન્ટ્રાએ સમવાદદાતાઓને કહ્યું હતું કે આ ગયા જિલ્લામાં મારી પહેલી યાત્રા છે અને અનુષ્ઠાન કર્યા પછી મને સારું લાગી રહ્યું છે. એક સુંદર જગ્યા છે અને લોકો બહુ સહયોગી છે. અમે આ ક્ષણને જીવનભર ક્યારેય નહીં ભૂલી શકીશું.
ગૌડે સંવાદદાતાઓને કહ્યું હતું કે પિતૃ પક્ષ દરમ્યાન ગયા આવનારા વિદેશઓની સંખ્યા દર મહિને વધતી જાય છે. હાલમાં યુક્રેનની એક મહિલાએ રશિયાના હુમલામાં માર્યા ગયેલા સૈનિકો અને લોકોના આત્માની શાંતિ અને મોક્ષ માટે અહીં સામૂહિક પિંડદાન કર્યું હતું.
શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનુ પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કહેવાય છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.