નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક મહિનામાં બે લોકપ્રિય હોસ્પટલની સિસ્ટમની ખામીઓનો લાભ લેવામાં આવ્યો હતો અને કિડની પ્રત્યારોપણનાને નામે બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે એક સર્જન ડોક્ટર સહિત 10 આરોપીઓની સિન્ડિકેટની ધરપકડ કરી છે.
દિલ્હી-NCRમાં 50 વર્ષીય સર્જન ડો. વિજ્યા રાજકુમારીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં નોએડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલમાં 20થી 25 બંગલાદેશી રોગીઓમાં કિડની પ્રત્યારોપણ કર્યાં હતાં.
પોલીસે પહેલી જુલાઈએ સર્જન ડોક્ટરની ધરપકડ કરી હતી. જોકે તેઓ જામીન પર બહાર છે. કોર્ટમાં તેમણે બધા આરોપોનો ઇનકાર કર્યો હતો. પોલીસે 2018થી 2024 સુધી નોએડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલમાં બંગલાદેશી રોગો પર કરવામાં આવેલા 125થી 130 કિડની પ્રત્યારોપણની વિગતો માગી છે.
પોલીસે ધરપકડ કરેલા લોકોમાં બે બંગલાદેશના નાગરિક પણ સામેલ છે અને ભારતના મેડિકલ ટુરિઝમમાં કામ કરતા એક ટ્રાન્સલેટર પણ સામેલ છે. દિલ્હી પોલીસે રેકેટનો ભાંડો ફોડ્યો છે. આરોગ્ય મંત્રાલયે એપ્રિલમાં વિદેશીઓ માટે અંગ પ્રત્યારોપણથી સંબંધિત એક ચેતવણી પણ જારી કરી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ સક્રિય થઈ હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં 17 જૂને આ કેસને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે ચાર્જશીટ તૈયાર કરી હતી. દિલ્હી હાઇકોર્ટે 23 ઓગસ્ટે ડોક્ટર રાજકુમારીને જામીન આપ્યા હતા. નોએડામાં એપોલો હોસ્પિટલ અને દિલ્હી ઇન્દ્રપ્રસ્થ એપોલો હૈદરાબાદ સ્થિત એપોલો ગ્રુપની હોસ્પિટલ્સનો હિસ્સો છે. આ કેસમાં અન્ય આરોપી પણ જામીન પર બહાર છે.