નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રેલવે માટે બજેટમાં રૂ. 1.10 લાખ કરોડની ફાળવણી કરી છે. તેમણે રેલવે વિશે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી છે. તેમણે કહ્યું હતું કે હવે મેટ્રો લાઇન પર ભાર આપવામાં આવી રહ્યો છએ. કોચી, બેંગલુરુ, ચેન્નઈ, નાગપુર અને નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાપ્રધાને બજેટ 2020-21ને રજૂ કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને રેલવે માટે રૂ. 1,10,055 કરોડની રકમની ફાળવણી કરી છે, જેમાં રૂ. 1,07,100 કરોડ માત્ર મૂડી ખર્ચ માટે ફાળવાયા છે. નાણાપ્રધાને કહ્યું હતું કે 46,000 કિલોમીટર રેલવે લાઇન પર ટ્રેનો વીજથી દોડશે. આ સિવાય નેશનલ રેલ પ્લાન 2030ના ડ્રાફ્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે ભારતીય રેલવે સિવાય મેટ્રો, સિટી બસને વધારવા પ્રોત્સાહન આપવામાં આવશે, જેના માટે રૂ. 18,000 કરોડનો ખર્ચ કરાશે. મેટ્રો લાઇટ પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર 2023 સુધીમાં રેલવે બ્રોડગેજ નેટવર્કનો 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
આ સાથે રેલવે 150 ખાનગી ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે. જે અનુસાર દિલ્હીથી વારાણસી વાયા અયોધ્યા, પટનાથી ગુવાહાટી, વારાણસીથી પટના, હૈદરાબાદથી બેન્ગલુરુ, દિલ્હીથી અમદાવાદ વાયા ઉદેપુર, દિલ્હીથી ચંડીગઢ, મુંબઈથી હૈદરાબાદ અને અમૃતસરથી જમ્મુ રૂટ પર હાઇસ્પીડ રેલવે ચલાવવામાં આવશે.
,