નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટઃ શું થશે કોઈ મોટો ખેલ?

પટનાઃ બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થોડી વારમાં થશે. નીતીશકુમારને સરકાર બચાવવા માટે 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તારૂઢ NDAની પાસે 128 વિધાનસભ્યો છે, પણ એ પહેલાં  હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.

મુખ્ય મંત્રી નીતીશકુમાર અને હમના અધ્યક્ષ જિતન રામ માંઝી વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના એક દિવ પહેલાં રાત્રે પટનામાં રાજકીય હલચલ જારી રહી છે. બીજી બાજુ મહાગઠબંધન અને NDA એટલે –બંને પક્ષો બહુમતનો દાવો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર RJDના ધારાસભ્ય ચેતન આનંદ, નીલમ દેવી, JDUના વિધાનસભ્ય સંજીવ કુમાર અને બીમા ભારતી, જ્યારે ભાજપના વિધાનસભ્ય રશ્મિ વર્મા અને મિશ્રી લાલ હજી સુધી વિધાનસભામાં નથી પહોંચ્યા. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 122 વિધાનસભ્યોના સમર્થનની જરૂર છે. સત્તાધારી NDAમાં JDU, BJP, જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા (હમ) તથા એક નિર્દલીય વિધાનસભ્ય સામેલ છે.

હમના વડા જિતન રામ માંઝીએ ફ્લોર ટેસ્ટ પહેલાં નીતિશ કુમારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો ફોન સ્વિચ ઓફ થઈ રહ્યો છે. જોકે  ભાજપ નેતા નિત્યાનંદ રાય માંઝીના ઘરે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી હતી. જિતન રામ માંઝી નીતીશ સરકારને ફ્લોર ટેસ્ટમાં સમર્થન આપવા માટે રાજી નથી, ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારે જ્યારે JDUની ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, ત્યારે JDUના ચાર ધારાસભ્યો બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહે હાજરી આપી ન હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.