નાગાલેન્ડ પોલીસે  હેરોઇન નેટવર્કનો પર્દાફાશ કર્યોઃ બે લોકોની ધરપકડ

કોહિમાઃ નાગાલેન્ડમાં પૂર્વોત્તરનાં રાજ્યો અને પંજાબથી સંકળાયેલા ડ્રગ્સની દાણચોરીના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે કહ્યું હતું કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર રૂ. 400 કરોડના મૂલ્યની આશરે 60 કિલોગ્રામ હેરોઇનની દાણચોરીનો સંદેહ છે. મણિપુરના બે ડ્રગ દાણચોરોની કોહિમા જિલ્લાના સેચુ જુજ્બાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હેરોઇન જપ્ત કરવામાં આવી હતી.

નાગાલેન્ડના પોલીસ વડા રૂપિન શર્માએ કહ્યું હતું કે તેમણે પૂર્વોત્તરનાં રાજ્યો અને પંજાબની વચ્ચે ચાલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ બે લોકોની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે બંને આરોપીઓ પર વર્ષમાં આશરે રૂ. 400 કરોડના મૂલ્યની 60 કિલોગ્રામ હેરોઇનની દાણચોરી કરવાનો સંદેહ છે. પોલીસે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે, જે આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો હિસ્સો છે.

તેમણે કહ્યું હતું કે નેટવર્ક મુખ્યત્વે નાગાલેન્ડ, મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને દેશનાં અન્ય રાજ્યોમાં સક્રિય છે. આ વર્ષે જાન્યુઆરીમાં શર્માના DGP બન્યા પછી નાગાલેન્ડ પોલીસે ડ્રગ્સની દાણચોરીની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું હતું કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ (NDPS) અધિનિયમના સંબંધમાં અત્યાર સુધી 318 કેસ નોંધવામાં આવ્યા છે અને 456 લોકોની ધરપકડ કરવામાં આવી છે.