ટામેટાંએ બગાડ્યું આમ આદમીનું બજેટઃ ભાવ રૂ. 100એ પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશના કેટલાક ભાગોમાં ફરી એક વાર ટામેટાંની કિંમતો લોકોને હેરાન-પરેશાન કરી રહી છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટામેટાં રૂ. 90થી રૂ. 100 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યાં છે. બજારમાં માગની સામે ટામેટાંનો પુરવઠો ઓછો પહોંચી રહ્યો છે, જેને કારણે કિંમતો વધી રહી છે. જેથી ટામેટાંએ આમ આદમીનું બજેટ બગાડી દીધું છે.

દેશમાં આ વર્ષે પડેલી કાળઝાળ ગરમી અને ચોમાસાના વિલંબને કારણે  ટામેટાં સહિત અન્ય શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે. બજારોમાં આ શાકભાજીની ઓછી આવકને કારણે ભાવ સતત વધી રહ્યા છે. મુંબઈ સહિત  અન્ય રાજ્યોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદવા પડે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટામેટાની કિંમત 90 થી 95 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે. મહારાષ્ટ્ર ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્ર ટામેટાંનું ઉત્પાદન પ્રતિ એકર 2000 કાર્ટન થાય છે અને એક કાર્ટનમાં 20 કિલો ટામેટાં થાય છે, પરંતુ આ વખતે વધુપડતી ગરમીને કારણે ટામેટાંનું ઉત્પાદન ઘટીને મુશ્કેલથી 500-600 કાર્ટન થયું છે. રાજ્યના અન્ય ટામેટાં ઉત્પાદક ક્ષેત્રોમાં પણ આ જ સ્થિતિ છે. એની અસર સપ્લાય ચેઇન પર પડી છે અને ઓછા સપ્લાયને કારણે કિંમતોમાં વધારો થયો છે.