નેશનલ હેરાલ્ડ કેસ: EDએ કહ્યું, ભાડાની રસીદો નકલી હતી

નવી દિલ્હીઃ દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી કરી હતી. વિશેષ CBI/ED ન્યાયાધીશ વિશાલ ગોગનેની અદાલતમાં આ સુનાવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ કોંગ્રેસાધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી સહિત અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સુનાવણીમાં EDએ કહ્યું હતું કે લોકો વર્ષોથી નકલી ભાડું આપી રહ્યા હતા. ભાડાની રસીદો ખોટી હતી. સિનિયર કોંગ્રેસ નેતાઓના નિર્દેશ પર જ AJLને જાહેરાતના પૈસા આપવામાં આવ્યા હતા. EDના મતે આવી છેતરપિંડીથી થયેલી કોઈ પણ આવક ‘અપરાધની આવક’ ગણાય છે.

નકલી લેવડદેવડનો ઉલ્લેખ

EDએ જણાવ્યું હતું કે કેટલાક દાતા, જેમના કોંગ્રેસમાં મોટાં નામ છે અને વરિષ્ઠ નેતાઓ છે, તેમણે ભાડા તરીકે અમુક રકમ ચૂકવી છે. તેથી જો આને અપરાધની આવક માનવામાં આવે, તો તેમને આરોપી કેમ ન બનાવવામાં આવે? આરોપી સુમન દુબેએ સોનિયા ગાંધીને શેર ટ્રાન્સફર કર્યા હતા.

ઓસ્કર ફર્નાન્ડિઝે રાહુલ ગાંધીને શેર ટ્રાન્સફર કર્યા હતા અને રાહુલે પાછા આ શેર ઓસ્કર ફર્નાન્ડિઝને આપ્યા હતા. આ બધી નકલી લેવડદેવડ છે, જે ફક્ત દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. EDએ કહ્યું કે 2015 સુધી ફક્ત બે વ્યક્તિઓ જ લાભાર્થી હતા – રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. લાભાર્થી વ્યક્તિ એ હોય છે, જેના હાથે કંપનીનું નિયંત્રણ હોય છે.

અપરાધથી પ્રાપ્ત સંપત્તિનો મુદ્દો

કોર્ટે EDને પૂછ્યું હતું કે શું ભાડું, જાહેરાતના પૈસા વગેરેને પણ અપરાધથી પ્રાપ્ત સંપત્તિ એટલે કે પ્રોસીડ ઓફ ક્રાઇમ (POC) ગણવામાં આવે છે? ED તરફથી ASG એ રાજુએ જવાબ આપ્યો હતો કે હા, જે કંઈ પણ આવક છેતરપિંડીથી કમાવવામાં આવી હોય તે POCમાં આવે છે.