મોન્યવા: મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક 1,000થી વધુ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.0ની તીવ્રતાના સતત બે મોટા ભૂકંપ આવ્યા. મ્યાનમારમાં એક પછી એક આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે પાંચથી વધુ દેશમાં ધરા ધ્રૂજી ઊઠી હતી.
જો કે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. બેંગ્કોકના ચતુચક જિલ્લામાં નિર્મણાધીન 30 માળની ગગનચુંબી ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ. થાઈલેન્ડના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમરજન્સી મેડિસિનનો ઉલ્લેખ કરતા ધ નેશન ન્યૂઝ અનુસાર, બાંધકામ હેઠળની ઇમારતમાં 43 કામદારો ફસાયા હતા.
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજધાની નેપીડૉમાં સેંકડો ઈમારતો તૂટી પડતાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મ્યાનમારના લશ્કરી શાસકોએ રાજધાની નેપીડૉ અને માંડલે સહિત દેશના છ પ્રાંતોમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી. મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મ્યાનમારની મિલિટ્રીનું નિવેદન
મ્યાનમારના મિલિટ્રી જુન્ટાએ ભૂકંપ અંગે અપડેટ જાહેર કરતાં જણાવ્યું કે શુક્રવારે આવેલો ભૂકંપ એટલો ભયાનક હતો કે તેની અસર પશ્ચિમ ભારતથી માંડીને ચીન સુધી જોવા મળી હતી. તેની લપેટમાં કમ્બોડિયા અને લાઓસ પણ આવી ગયા હતા. આ સાથે મૃત્યુઆંક 1,000 થઇ ગયાનો દાવો કર્યો હતો. આ આંકડો ફક્ત મ્યાનમારનો છે. જ્યારે થાઈલેન્ડના બેંગકોકમાં 10 લોકોના મોતનો આંકડો છે પરંતુ એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં તેમાં સેંકડો શ્રમિકો દટાયાની માહિતી છે. જેથી મૃત્યુઆંક અહીં પણ વધી શકે છે.
મ્યાનમાર અનેક વર્ષોથી ગૃહયુદ્ધમાં સપડાયેલું હોવાથી અનેક પ્રાંતોમાં મદદ કેવી રીતે પહોંચાડવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રેડ ક્રોસે કહ્યું કે, ભૂકંપના કારણે વીજળીના થાંભલા પડી જવાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વધુમાં અનેક જગ્યાઓ પર રસ્તાઓ તૂટી જવાથી રાહત કાર્ય પડકારજનક બન્યું છે.
