એલન મસ્કે કહ્યું કે ભારતીય ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ અમેરિકાના ટેકનોલોજીકલ અને વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મસ્કે H1-B વિઝા કાર્યક્રમ ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું.

ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના અબજોપતિ સીઈઓ એલન મસ્કે ખુલાસો કર્યો છે કે તેમની પાર્ટનર શિવૉન જિલિસ અડધી ભારતીય છે. નિખિલ કામતના પોડકાસ્ટમાં અબજોપતિ ઉદ્યોગપતિએ એ પણ ખુલાસો કર્યો કે તેમના એક પુત્રનું નામ શેખર છે. મસ્કે કહ્યું કે આ નામ અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
પોડકાસ્ટ દરમિયાન એલન મસ્કે કહ્યું,”મને ખબર નથી કે તમને આ વાતની ખબર છે કે નહીં, પરંતુ મારી જીવનસાથી શિવોન અર્ધ-ભારતીય છે. અમારા એક પુત્રનું મધ્ય નામ શેખર છે, જે ચંદ્રશેખરના નામ પરથી પ્રેરિત છે.” મસ્કે ખુલાસો કર્યો કે તેની જીવનસાથી શિવોન જિલિસ, કેનેડામાં ઉછરી હતી અને બાળપણમાં તેમને દત્તક લેવામાં આવી હતી. શિવોન જિલિસ 2017 માં મસ્કની કંપની ન્યુરાલિંકમાં જોડાઈ હતી અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે સેવા આપે છે. શિવોન યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે.
મસ્કે સ્વીકાર્યું કે અમેરિકાને ભારતીય પ્રતિભાથી ફાયદો થયો છે
પોડકાસ્ટ વાતચીત દરમિયાન, એલોન મસ્કે સ્વીકાર્યું કે અમેરિકાને ભારતીય પ્રતિભાથી ફાયદો થયો છે. મસ્કે કહ્યું કે ભારતીય ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ અમેરિકાના ટેકનોલોજીકલ અને વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મસ્કે H1-B વિઝા કાર્યક્રમ ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું.
“H1-B વિઝાનો દુરુપયોગ થયો છે. કેટલીક આઉટસોર્સિંગ કંપનીઓએ રમત રમવાનો પ્રયાસ કર્યો છે. આ બંધ થવું જોઈએ. જોકે, મને નથી લાગતું કે H1-B વિઝા કાર્યક્રમ બંધ કરવો જોઈએ. તે ખરેખર ખરાબ હશે,” મસ્કે આવું પણ ઉમેર્યુ.




