મુંબઈઃ અત્રે આવેલા વિશ્વના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર – ધારાવીમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવામાં મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર સરકાર લીધેલાં પગલાં અને સ્થાનિક રહેવાસીઓએ આપેલા સહકારની વિશ્વ બેન્કે આજે પ્રશંસા કરી છે.
વોશિંગ્ટનસ્થિત વર્લ્ડ બેન્કે ગરીબી અને વહેંચાયેલી સમૃદ્ધિ વિષય પર તેના દ્વિ-વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આ સફળતા બધાયને અનુકૂળ પડે એવા ઉકેલો શોધવાથી, જૂથોની સામેલગીરીથી અને દ્રઢતાથી હાંસલ કરી શકાઈ છે.
ધારાવી વિસ્તાર મધ્ય મુંબઈના માહિમ-બાન્દ્રા ઉપનગરોમાં પૂર્વ ભાગમાં આવ્યો છે અને ત્યાં આશરે 7 લાખ લોકો વસે છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તાર 1884ના વર્ષ જેટલો જૂનો છે. આનો વિસ્તાર આશરે 2.5 સ્ક્વેર કિલોમીટરમાં પ્રસરેલો છે. અહીં અસંખ્ય ઝૂંપડાઓ અને બિસ્માર હાલતવાળા મકાનો છે. સાંકળી ગલીઓ અને ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં રોગ ફેલાવવાની શક્યતા ઘણી જ રહે છે.
11 માર્ચે કોરોના રોગચાળાએ મુંબઈમાં એન્ટ્રી કર્યાના 3 સપ્તાહ બાદ, ધારાવીમાં કોવિડ-19નો પહેલો કેસ 1 એપ્રિલે નોંધાયો હતો.
વર્લ્ડ બેન્કે અનુમાન વ્યક્ત કર્યું છે કે સત્તાવાળાઓએ ટેલેન્ટેડ વ્યક્તિઓને એકઠી કરીને અને સેવાભાવી-સમર્પિત લોકોના જૂથ બનાવીને કાર્યક્ષમ અભિગમ અપનાવ્યો એનું ધાર્યું પરિણામ આવ્યું. ધારાવીમાં કોરોનાને ફેલાતો રોકવા માટે મુંબઈના અધિકારીઓએ ઘણી ઝડપ બતાવી હતી.
લોકડાઉનના સમયમાં ગરીબ લોકોને ઘેર-ઘેર જઈને સહાયતા કરવામાં આવી હતી. એમાં બિનસરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ઘેર-ઘેર જઈને એમણે રેશન કિટ્સ પૂરી પાડી હતી.
ધારાવીમાં કોરોનાના 3,280 કેસ થયા હતા, એમાંથી 2,795 જણ સાજા થયા હતા.
ગયા જુલાઈમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ધારાવીમાં કોરોના રોગચાળાને અંકુશમાં રાખવાના મુંબઈ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી હતી.
ભારતમાં કોરોના વાઈરસનો શિકાર થયેલા લોકોનો આંકડો 67.57 લાખ પર પહોંચ્યો છે. જ્યારે મરણાંક 1 લાખને પાર કરી ગયો છે.