રિયા ચક્રવર્તીનાં જામીન મંજૂર; ભાઈના નામંજૂર

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડ કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે જામીન મંજૂર કર્યા છે. જોકે એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી છે.

કોર્ટે જામીન ઓર્ડરમાં કહ્યું કે નશીલા પદાર્થોના સોદાગરોની ટોળકીનો રિયા ચક્રવર્તી હિસ્સો નથી. એણે પૈસા કમાવવા માટે કે બીજા કોઈ લાભ મેળવવા માટે કોઈને માટે ડ્રગ્સ ખરીદી નહોતી કે કોઈને ફોરવર્ડ પણ કરી નહોતી.

ઉલ્લેખનીય છે કે, આ કેસ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ભેદ વિશેના કેસ સાથે સંકળાયેલો છે.

હાઈકોર્ટના આદેશને પગલે રિયાને પોતાનો પાસપોર્ટ સત્તાવાળાઓ પાસે જમા કરાવી દેવો પડ્યો છે. જ્યારે એને દેશની બહાર જવું હોય ત્યારે એ પૂર્વે સ્પેશિયલ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ) જજની પરવાનગી મેળવવી પડશે. તેમજ મુંબઈની બહાર જવું હોય ત્યારે તપાસનીશ અધિકારીની પરવાનગી લેવાની રહેશે.

એને આ ઉપરાંત રૂ. 1 લાખના પર્સનલ બોન્ડ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે એમ પણ કહ્યું કે રિયાનો કોઈ પાછલો ક્રિમિનલ રેકોર્ડ નથી અને એ જામીન પર હશે ત્યારે કોઈ ગુનો કરશે એવી કોઈ સંભાવના નથી એવું માનવાનું કોર્ટ પાસે વાજબી કારણ છે. જામીન અરજદાર NDPS કાયદાની કલમો 19, 24 કે 27-એ હેઠળ સજાપાત્ર ગુનેગાર ઠરતી નથી.

રિયા અને એનાં ભાઈની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા ગઈ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. NCBના અધિકારીઓએ ડ્રગ્સના મામલે રિયાની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એની પર NDPS કાયદા, 1985 અંતર્ગત આરોપ મૂક્યો હતો. સ્પેશિયલ NDPS કોર્ટે રિયાને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી. જે મુદતને બાદમાં લંબાવવામાં આવી હતી. એનસીબીનો આરોપ છે કે રિયા, જે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, એણે સુશાંત માટે ડ્રગ્સ મેળવી હતી. સુશાંત ગઈ 14 જૂને મુંબઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે પટનામાં રિયા અને એનાં પરિવારજનો પર આરોપ મૂક્યો હતો કે એમણેે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.

આ આક્ષેપોને પગલે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી લઈને સીબીઆઈને સુપરત કરી હતી. તપાસ દરમિયાન આ કેસમાં ડ્રગ્સનો મામલો પણ બહાર આવતાં એનસીબી દ્વારા અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે.