વસઈ, થાણે, કલ્યાણને જોડશે મહત્ત્વાકાંક્ષી જળમાર્ગ

મુંબઈઃ મુખ્ય માર્ગો પર ટ્રાફિક સતત વધતો જ જાય છે એને કારણે વસઈ-થાણે-કલ્યાણ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આના ઉકેલ રૂપે સત્તાવાળાઓએ લોકોને જળમાર્ગનો વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.

પાલઘર જિલ્લાના વસઈ અને થાણે જિલ્લાના થાણે તથા કલ્યાણ શહેરો વચ્ચે વોટર ટ્રાન્સપોર્ટ યોજના શરૂ કરવામાં આવશે. આ મલ્ટી-કોરિડોર ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ યોજના થાણે મહાનગરપાલિકાની છે. એની પાછળનો ઉદ્દેશ્ય મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) પર ગીચતાની સમસ્યા હળવી કરવાનો છે.

આ ત્રણ શહેર – વસઈ, થાણે, કલ્યાણ વચ્ચેનો સૂચિત જળમાર્ગ 54 કિલોમીટરનો હશે. હાલ ટ્રેન કે રોડ માર્ગે કલ્યાણ અને વસઈ વચ્ચે પ્રવાસ કરવામાં લોકોને બે કલાકથી પણ વધારે સમય જાય છે. પરંતુ જળમાર્ગ શરૂ થયા બાદ તેઓ માત્ર 70 મિનિટમાં જ પહોંચી શકશે. એ માટે ફેરી સર્વિસની ટિકિટ પણ વાજબી રાખવામાં આવશે અને તે સૌથી સસ્તું પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે.

આ જળમાર્ગ યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને કેન્દ્રીય પરિવહન રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે કે આવતા વર્ષે ચોમાસા પૂર્વે આ વોટર ટ્રાન્સપોર્ટ શરૂ કરી દેવામાં આવશે. એમણે આ ખાતરી શિવસેનાના સંસદસભ્ય રાજન વિચારે સાથેની ઈ-મીટિંગમાં આપી હતી.

આ વોટર ટ્રાન્સપોર્ટ માર્ગ થાણે, મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાહ, મિરા-ભાયંદરને આવરી લેશે.

આ માર્ગો પર પ્રવાસીઓ માટે 10 નાની જેટ્ટીઓ બાંધવામાં આવશે.

આ યોજનાનો અહેવાલ થાણે મહાનગરપાલિકાએ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને આપ્યો છે.

આ વોટર ટ્રાન્સપોર્ટ યોજના માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર રાજ્ય, બંને તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.

આ યોજના ત્રણ તબક્કાની હશે. પહેલા તબક્કામાં કલ્યાણ-થાણે-વસઈને જોડવામાં આવશે. બીજામાં થાણેને મુંબઈ સાથે અને ત્રીજા તબક્કામાં થાણેને નવી મુંબઈ સાથે જોડવામાં આવશે.