મુંબઈઃ ટ્રાફિક વિભાગે નવા નિયમો લાગુ કર્યા છે. એનું ઉલ્લંઘન કરવાનું હવે મોંઘું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં અમુક ફેરફારો કર્યા છે. નવા નિયમ અનુસાર, જો તમે નિયમોનો ભંગ કરતા પકડાશો તો તમારે અગાઉ કરતાં વધારે રકમનો દંડ ભરવો પડશે. મુંબઈમાં નવા નિયમોનો અમલ ગયા રવિવારથી કરી દેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસના આદેશનો ભંગ કરવા બદલ અગાઉ રૂ. 200નો દંડ ભરવો પડતો હતો. પરંતુ હવે એ દંડની રકમ વધારી દેવાઈ છે. નવા નિયમ અનુસાર, પહેલી વારના ગુના બદલ રૂ. 500 અને બીજી વારના ગુના બદલ રૂ. 1,500નો દંડ ભરવો પડશે. લાઈસન્સ વગર વાહન ચલાવવા બદલ રૂ. 5,000નો દંડ ભરવો પડશે. અગાઉ આ રકમ રૂ. 500 હતી. જો તમારી પાસે વાહનને લગતા કાયદેસર દસ્તાવેજ ન હોય તો તમારે રૂ. 500નો દંડ ભરવો પડતો હતો. કારણ વગર હોર્ન વગાડવા બદલ અગાઉ રૂ. 200નો દંડ હતો. હવે એમાં રકમનો વધારો કરાયો છે. કારણ વગર હોર્ન વગાડવા બદલ પહેલી વાર રૂ. 500 અને બીજી વાર રૂ. 1,500નો દંડ ભરવો પડશે. જો તમે હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટર ચલાવતા પકડાશો તો પહેલી વારના ગુના બદલ રૂ. 500નો દંડ કરાશે અને બીજી વાર પકડાશો તો રૂ. 1,500નો દંડ ભરવો પડશે. અગાઉ આ દંડની રકમ રૂ. 500 હતી.