વર્સોવા બીચ સફાઈ ઝૂંબેશ ફરી શરૂ; CM ફડણવીસ પણ એમાં જોડાયા

મુંબઈ – થોડાક સમયના બ્રેક બાદ અહીં અંધેરી (વેસ્ટ)માં આવેલા વર્સોવા બીચ પર સફાઈ કામ શનિવારથી ફરી શરૂ કરવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે એમાં જોડાયા હતા.

આજે બપોરે ફડણવીસ અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેની સાથે આ ઝુંબેશમાં સામાજિક કાર્યકર્તા અફરોઝ શાહ પણ સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્સોવા બીચ સફાઈ ઝુંબેશ શરૂ કરવા બદલ અફરોઝ શાહની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે.

સ્વચ્છ ભારત ઝુંબેશમાં અથાગ રીતે પ્રદાન કરવા બદલ ફડણવીસે અફરોઝ શાહ તથા એમની ટીમના સદસ્યોને અભિનંદન આપ્યા હતા.

મુખ્યપ્રધાન ફડણવીસે બીચ પર સફાઈકાર્યમાં સામેલ થયેલા શાળાનાં બાળકો સાથે વાતચીત કરી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે મુંબઈમાં શનિવારે પર્યાવરણ વિશે આયોજિત એક રાષ્ટ્રીય પરિષદમાં નામાંકિત હસ્તીઓ, સામાન્ય નાગરિકો, ઝૂંપડપટ્ટીવાસીઓ તથા નેતાઓ સહિત અફરોઝ તથા એમના સ્વયંસેવકો વિશે વાત કહી હતી અને કહ્યું હતું કે આ બધાં એવું કાર્ય કરી રહ્યા છે જેને યૂનાઈટેડ નેશન્સ સંસ્થાના પર્યાવરણ વિભાગે સૌથી મોટી સફાઈ ઝુંબેશ તરીકે ઓળખાવી છે.

કેટલાક અસામાજિક તત્વોની સતામણીને કારણે વર્સોવા બીચને સાફ કરવાની ઝુંબેશને અફરોઝે ગયા મહિને સ્થગિત કરી દીધી હતી. તેઓ મુખ્યપ્રધાન ફડણવીસને મળ્યા હતા, જેમણે સફાઈ ઝુંબેશમાં સંપૂર્ણ પ્રકારની મદદ કરવાની અફરોઝને ખાતરી આપી હતી.