મનસે કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઘૂસી તોડફોડ કરી

મુંબઈ – રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના કાર્યકર્તાઓએ આજે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન નજીક આવેલી કોંગ્રેસ પાર્ટીની મુખ્ય કચેરીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. પાર્ટીએ આ હુમલાને સર્જિકલ સ્ટ્રાઈક તરીકે ઓળખાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ઉત્તર ભારતીયો અને પરપ્રાંતવાસીઓના મામલે આ બંને પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

કોંગ્રેસ મુખ્યાલયમાં કરાયેલા હિંસક હુમલા માટે સ્વયંને શાબાશી આપતાં મનસે પાર્ટીના સચિવ સંદીપ દેશપાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મનસે પાર્ટીએ ભૈયા સંજય નિરુપમના કાર્યાલય પર સર્જિકલ સ્ટ્રાઈક કર્યો છે. ઈંટ કા જવાબ પથ્થર સે મિલેગા.

આ હુમલાના અમુક કલાકો બાદ પોલીસે દેશપાંડેને અટકમાં લીધા હતા.

દેશપાંડેની આ કબૂલાતને પગલે મુંબઈમાં વસતા અને કામ-ધંધો કરતા ઉત્તર ભારતીય લોકોના મામલે બંને પાર્ટી વચ્ચેની કડવાશ વધી ગઈ છે.

મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમ પોતે ઉત્તર ભારતીય છે. એમણે મનસેની ગુંડાગીરીને ફેરિયાઓની અવારનવાર મારપીટ કરતા મનસેના નપુંસક અને હતાશ થઈ ગયેલા કાર્યકર્તાઓના કૃત્ય તરીકે ગણાવ્યું છે.

નિરુપમે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી છે કે તેઓ મનસે સામે ઝડપથી પગલું ભરે નહીં તો એમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

નિરુપમના નિવેદનને પગલે દાદરના શિવાજી પાર્ક નજીક રાજ ઠાકરેના આવેલા નિવાસસ્થાન કૃષ્ણ કુંજ તથા શહેરભરમાં મનસેના કાર્યાલયો ખાતે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

આજે સવારે લગભગ ૮ વાગ્યે મનસેના અડધો ડઝન જેટલા કાર્યકર્તાઓ સીએસટી સ્ટેશનની સામે આવેલા આઝાદ મેદાન ખાતે કોંગ્રેસના શહેર એકમના મુખ્યાલયમાં ઘૂસ્યા હતા. એમના હાથમાં લાઠીઓ હતી. એમણે ઓફિસમાં કાચની કેબિનોના કાચ તોડી નાખ્યા હતા અને ત્યાંનું ફર્નિચર અને ફીટિંગ પણ તોડી નાખ્યા હતા. કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ઓફિસમાં ઘણું જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુરુદાસ કામતે હુમલાને વખોડી કાઢ્યો છે અને એવી માગણી કરી છે કે મુંબઈના પોલીસ કમિશનર દત્તા પડસલગીકર તરત જ ગુંડાઓની ધરપકડ કરે.