મુંબઈ મેટ્રો (વર્સોવા-ઘાટકોપર)નું ટ્રેન ભાડું વધારવાની માગણીને હાઈકોર્ટે ફગાવી દીધી

મુંબઈ – મુંબઈ મેટ્રોના અંધેરી-ઘાટકોપર રૂટ પર ટ્રેન ભાડું વધારવાની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આગેવાની હેઠળની મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL) કંપનીએ કરેલી વિનંતીને મુંબઈ હાઈકોર્ટે નકારી કાઢી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલ્લુર અને ન્યાયમૂર્તિ એમ.એસ. સોનાકની બનેલી બેન્ચે મેટ્રો ફેર ફિક્સેશન કમિટીએ 2015ના જુલાઈમાં લીધેલા નિર્ણયને રદબાતલ કર્યો છે. એ નિર્ણયમાં કમિટીએ મેટ્રો ટ્રેનનું ભાડું વધારવાની સંમતિ દર્શાવી હતી અને ભાડું રૂ. 10-40ના દરથી વધારીને રૂ. 10-110 કરવાની ભલામણ કરી હતી.

ન્યાયાધીશોની બેન્ચે અરજદારોને એવો આદેશ આપ્યો છે કે ભાડું નક્કી કરનાર સમિતિનું મેટ્રો રેલવેઝ (ઓપરેશન એન્ડ મેઈનટેનન્સ) એક્ટ અંતર્ગત પુનર્ગઠન કરવામાં આવે.

મુખ્ય ન્યાયમૂર્તિ ચેલ્લુરે કહ્યું છે કે નવી સમિતિએ મોડામાં મોડું ત્રણ મહિનામાં ભાડાંના મુદ્દે ઊભું થયેલું ઘર્ષણ નિવારવું જ પડશે.

વર્સોવા-ઘાટકોપર લાઈન માટેનું ટ્રેન ભાડું વધારવા માટે MMOPL એ રજૂ કરેલા પ્રસ્તાવ અને ફેર ફિક્સેશન કમિટીએ આપેલા અહેવાલના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારની એજન્સી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા નોંધવામાં આવેલી પીટિશન સહિત કેટલીક પીટિશનો ઉપર ન્યાયાધીશોની બેન્ચે આજે સુનાવણી કરી હતી.

ભાડા વધારાના પ્રસ્તાવને પડકારતી એક અરજી મુંબઈ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમે પણ નોંધાવી હતી.

2014ના જૂનમાં જ્યારે મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારે 11.4 કિલોમીટરના રૂટ પર સિંગલ સફર માટેનું ટ્રેન ભાડું 10 રૂપિયા હતું. ત્યારબાદ એને અંતર અનુસાર રૂ. 40 સુધી વધારવામાં આવ્યું હતું.

જુલાઈ, 2015માં ફેર ફિક્સેશન કમિટીએ રૂ. 10-40ને બદલે રૂ. 10-110નું નવું ભાડું રાખવાનું સૂચન કર્યું હતું.

ઘણી ખોટ જતી હોવાનું કારણ બતાવીને MMOPL કંપનીએ ટ્રેન ભાડું વધારવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ ભાડું પાંચ રૂપિયા જેટલું વધારવામાં આવ્યું હતું.