ઉદ્ધવ, પરિવારજનોની સલામતી ઘટાડાઈ; ‘માતોશ્રી’ની બહાર મેટલ ડીટેક્ટર્સ હટાવી દેવાયા

મુંબઈઃ શિવસેના (યૂબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને એમના પરિવારજનોને સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી સલામતી વ્યવસ્થામાં કાપ મૂકી દેવામાં આવ્યે હોવાના અહેવાલ છે. બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં આવેલા ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર મૂકવામાં આવેલા મેટલ ડીટેક્ટર્સ પણ હટાવી લેવામાં આવ્યા છે. તદુપરાંત, ત્યાં ફરજ પર મૂકવામાં આવેલા બે સ્પેશિયલ પોલીસ ફોર્સ ઓફિસર અને છ પોલીસ જવાનોને પણ હટાવી લેવામાં આવ્યા છે.

માતોશ્રી નિવાસસ્થાન ખાતે સુરક્ષા પૂરી પાડવા માટે મૂકવામાં આવેલા ચાર પોલીસ જવાનોને ચાલુ રખાયા છે.

ઉદ્ધવ ઠાકરેને ઝેડ-પ્લસ સિક્યુરિટી કવચ પૂરું પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત એક એસ્કોર્ટ કાર, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના ત્રણ વાહનોનો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરેની સલામતીનું રક્ષણ કરવા માટે એમના કાફલામાં છ કમાન્ડો વાહન આપવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી એક વાહન ઘટાડી દેવામાં આવ્યું છે. હવે પાંચ વાહન રહેશે.

તદુપરાંત, ઉદ્ધવના પત્ની રશ્મી તથા પુત્રો આદિત્ય અને તેજસના કાફલામાંથી પણ એક-એક સુરક્ષા વાહન ઘટાડી દેવામાં આવ્યું છે. આ ત્રણેય સભ્યોને વાઈ-પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવેલા સુરક્ષા કવચમાં ઘટાડો શા માટે કરવામાં આવ્યો છે તેનું કારણ હજી જાણવા મળ્યું નથી.