મુંબઈમાં ઉબેર કંપનીએ કાળી-પીળી ટેક્સીઓના ડ્રાઈવરો સાથે સહયોગ કર્યો

મુંબઈ – મહાનગરની જંગી ટેક્સી-સફરની માર્કેટમાં પોતાનો હિસ્સો વધારવા માટે ખાનગી કેબ કંપની ઉબેરે હવે તેના યૂઝર્સને ઉબેરની એપ પરથી પરંપરાગત કાળી-પીળી ટેક્સીઓ બુક કરવાની પણ છૂટ આપી છે.

અમેરિકન કંપની ઉબેરે આ પહેલી જ વાર મુંબઈમાં કાળી-પીળી ટેક્સીઓના ડ્રાઈવરો સાથે સહયોગ કર્યો છે. આ ડ્રાઈવરોને ઉબેરે પોતાના ઓનલાઈન એપ પ્લેટફોર્મ પર જોડાવાની પરવાનગી આપી છે. સાથોસાથ, આ ડ્રાઈવરો RTO દ્વારા નિર્ધારિત ટેક્સી દરોએ જ લોકોને એમના ઘર કે ઓફિસના દ્વારેથી સેવા પૂરી પાડશે.

હાલ, ઉબેર કંપની દક્ષિણ મુંબઈમાં કોલાબાથી વરલી સુધીના વિસ્તારોમાં સેવા પૂરી પાડે છે.

ઉબેરના અધિકારીએ કહ્યું છે કે અમે કાળી-પીળી ટેક્સીના ઓપરેટરોનું એક નેટવર્ક તૈયાર કરી રહ્યા છીએ. મુંબઈમાં અમારા પ્લેટફોર્મ પર વધારે ટેક્સીઓ જોડાય એવું અમે ઈચ્છીએ છીએ. જેથી નોન-એસી ટેક્સીઓ પણ ઓન-ડીમાન્ડ પર ઉપલબ્ધ થઈ શકે.

હાલ ફોર્ટ વિસ્તારથી વરલી સુધીની ઉબેર Go ટેક્સીની સફર માટે રૂ. 140 અને ઉબેર પ્રીમિયર કેબ માટે રૂ. 180નો ખર્ચ થાય છે. જ્યારે એ જ અંતર માટે કાળી-પીળી ટેક્સીનો ખર્ચ આશરે રૂ. 120 થાય.

ઉલ્લેખનીય છે કે, મુંબઈવાસીઓ હજી આજે પણ પરંપરાગત કાળા-પીળા રંગની ટેક્સીઓમાં સફર કરવાનું વધારે પસંદ કરતા હોય છે.