ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક સંધિ પછી શું?

ત્તર કોરિયાના સરકારી ટીવી પર ઐતિહાસિક ઘડીના સમાચાર આપવા માટે લેડી એન્કર રી ચૂન હીને ખાસ બોલાવાયાં હતાં. ટીવી પરનો તે સૌથી જાણીતો અને ભરોસોપાત્ર ચહેરો માનવામાં આવે છે. તેમણે દક્ષિણ કોરિયા સાથે કરવામાં આવેલી ઐતિહાસિક સમજૂતીના સમાચાર આપ્યા. તેમણે એવું પણ કહ્યું કે ‘સંપૂર્ણ અણુનિશસ્ત્રીકરણ કરાશે’.આ શબ્દો સૌએ નોંધ્યા છે. બીજી બાજુ દક્ષિણ કોરિયામાં પણ શનિવારે આખો દિવસ આ હેડલાઈન્સ ચાલી હતીઃ ‘કોરિયન દ્વીપકલ્પમાં હવે યુદ્ધ નહિ, સંપૂર્ણ અણુનિશસ્ત્રીકરણ, આ વર્ષે સત્તાવાર રીતે કોરિયન યુદ્ધનો આવશે અંત’.
27 એપ્રિલ શુક્રવારે બંને દેશોના નેતાઓ વચ્ચે શિખર પરિષદ યોજાઈ અને ત્યારબાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યા તેનો સાર આ હેડલાઇન્સમાં આવી જાય છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે 1953 યુદ્ધ સ્થગિત કરાયું અને સરહદને સ્થિર કરી દેવાઈ. તેમાં કેટલીક જગ્યાએ ગામની વચ્ચેથી સરબદ પસાર થતી હતી. આવું જ એક ગામ પોનમુનજોમ, જેમાં શેરીની વચ્ચે સરહદ પડે છે. (ભારત બાંગલાદેશ, ભારત બર્મા તથા વિશ્વમાં કેટલીક જગ્યાએ ઘરની વચ્ચેથી સરહદ પસાર થતી હોય છે.) આ ગામને શાંતિસ્થળ ગણવામાં આવે છે. બંને દેશો વચ્ચેના અધિકારીઓ અહીં એકબીજાને જરૂર પડ્યે મળતા રહે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન આવ્યા, શેરીની વચ્ચે આવેલી પાળીની પેલી તરફ ઊભા રહ્યા, આ તરફ સ્વાગત કરવા માટે દક્ષિણ કોરિયાના મૂન જે-ઇન ઊભા હતા. મૂને હાથ લંબાવ્યો અને કિમ હાથ પકડીને પાળીને ઠેકીને આ તરફ આવ્યા અને ફ્લેશના ઝબકારા થવા લાગ્યા.

આ તસવીરો દુનિયાભરે જોઈ છે. બંને દેશોના નેતાઓએ તસવીરો પડાવ્યા પછી મહત્ત્વનું કામ કરવાનું હતું તે મંત્રણાનું કર્યું. સવાલ એ છે કે આ મંત્રણા પછી હવે શું? એ વાત ખરી કે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાએ પહેલીવાર દક્ષિણ હિસ્સામાં પ્રથમવાર પગ મૂક્યો, પરંતુ ભૂતકાળમાં આ તરફ પગ મૂક્યા વિના એકથી વધુ સમજૂતિઓ અને કરારો કર્યા હતા. તેનું પાલન થયું નથી, ત્યારે આ વખતે થશે ખરું.

1992, 1994, 2005 અને 2012માં દક્ષિણ કોરિયા તથા અમેરિકા સાથે અણુશસ્ત્રો મુદ્દે સમજૂતિઓ થઈ હતી, પણ તેનું પાલન થયું નથી. ઉલટાનું હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યાની શંકા જગતને છે. જાપાન પરથી મિસાઇલો પણ કિમે ઉડાવી હતી. અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા તે પછી વધુ એક સમજૂતિ કરવા કિમ તૈયાર થઈ ગયા છે તેમ માનવામાં આવે છે.

જોકે આ વખતે સ્થિતિ જુદી છે એવું પણ કેટલાક જાણકારો કહે છે. હાલમાં જ કિમ ચીનની મુલાકાતે જઈ આવ્યા છે. ચીન સાથે મંત્રણા કર્યા પછી તેમણે સમજૂતિ માટે તૈયારી બતાવી છે તેમ માનવામાં આવે છે. ચીનને ચિંતા એ છે બહાનું જોઈને અમેરિકન દળો ઉત્તર કોરિયામાં ઘૂસી આવે તો મુશ્કેલી થાય.

અન્ય વિશ્લેષકો એમ કહે છે કે 34 વર્ષના કિમ જોંગ-ઉન માટે ઘરઆંગણે કશુંક કરી બતાવવું જરૂરી છે. તેમના દાદા અને પિતા વખતથી ફુલગુલાબી ચિત્ર દોરવામાં આવી રહ્યું છે, પણ દેશની હાલત બહુ સારી નથી. બહારથી દેખાતી ચમકદમક અંદરથી ઝાંખી પડેલી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયા પહોંચીને એવી ટીપ્પણી કરી કે તમારા રસ્તા અને રેલવે અમારા કરતા સારા છે. આને બહુ સૂચક માનવામાં આવે છે, કેમ કે સામ્યવાદી શાસન હેઠળ ખૂબ પ્રગતિ થઈ છે અને દુનિયામાં આપણો દેશ શ્રેષ્ઠ છે તેવો પ્રચાર થતો રહ્યો છે. તે પ્રચારમાં આ નિવેદનથી ગાબડું પડ્યું છે.

તેનો અર્થ નિષ્ણાતો એ કાઢી રહ્યા છે કે કિમ પોતાના દેશમાં વધારે મોકળાશથી ચર્ચા કરી શકાય તેમ ઇચ્છે છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો કે કેટલાક લોકો નાસીને બીજા દેશમાં ગયા છે તેનું અમને દુઃખ છે. આ વધુ એક એવી કબૂલાત છે, જે નિરીક્ષકોને ચોંકાવનારી લાગી છે. કિમે પોતાના હરીફોને ક્રૂરતાથી રહેંસી નાખ્યા છે, પણ તે પછી હવે લાંબો સમય શાસન ચલાવવું હોય તો તેમણે પરિવર્તન આવી રહ્યું છે તેવું દેખાડવા માટે ઉદારવાદી ચહેરો આગળ કરવો પડે તેમ છે.

દક્ષિણ કોરિયામાં લોકમત બંને દેશોને એક કરવાનો છે. મૂન લોકપ્રિય પ્રમુખ મનાય છે અને તેમણે ચૂંટણી પ્રચાર વખતે જ કહેલું કે તેમનો પક્ષ બંને દેશોની એકતા ઇચ્છે છે. તેના કારણે તેમના માટે નિર્ણયો લેવા અને સમજૂતિ કરવી સહેલી છે. પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયા તેનો દાખલો છે. વિદેશી સત્તાને કારણે બંને દેશો વચ્ચે સરહદ અંકાઈ ગઈ તે તોડી નાખવી જોઈએ તેવી લાગણી બંને દેશોમાં છે અને તે લાગણીનું પ્રતિનિધિત્વ પોતે કરી રહ્યા છે તેવું દેખાડવા માટે બંને નેતાઓ તૈયાર છે તે આ વખતની નવી વાત છે.

કિમ જોંગ-ઉને મંત્રણા દરમિયાન કોરિયાની એક હજાર વર્ષ જૂની સંસ્કૃત્તિ અને પરંપરાની વાત કાઢી હતી. મૂળભૂત રીતે આપણે હજીય એક જ છીએ અને કૃત્રિમ રીતે વિશ્વની સત્તાઓએ ભાગલા પાડ્યા છે તે ભૂંસી નાખીએ તેવો ટોન તેમનો હતો. જોકે આ ટોનમાં પશ્ચિમના વિશ્લેષકોએ ચાલાકી જોઈ છે. તેમનું કહેવું છે કે દક્ષિણ કોરિયા અમેરિકા તરફ વધુ ના ઢળે, ખ્રિસ્તી સંસ્કૃત્તિને મહત્ત્વ ના આપે તેવું દેખાડવાનો પણ પ્રયાસ તેમાં હતો.

1953માં બંને દેશો વચ્ચે સરહદ અંકાઇ ગઇ અને સંયુક્ત રાષ્ટ્રસંઘે યુદ્ધવિરામ કરાવ્યો, તે પછી બંને દેશોમાં મોટું પરિવર્તન આવ્યું છે. બંને દેશોની એક હજાર વર્ષ જૂની સંસ્કૃત્તિ જુદા જુદા માર્ગે ચાલી. ઉત્તર કોરિયાએ સામ્યવાદ અપનાવ્યો. સામ્યવાદમાં પણ એક પાર્ટીનું શાસન નહિ, માત્ર એક પરિવારનું શાસન. કિમ ત્રીજી પેઢીના શાસક છે. વિશ્વના એક માત્ર સામ્યવાદી વારસાગત સત્તા મેળવનાર કિમ માટે દક્ષિણ કોરિયા બદલાયેલી દુનિયા છે. દક્ષિણ કોરિયામાં પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. લોકતંત્ર અપનાવ્યું, મુક્ત બજાર સાથેનો મૂડીવાદ અપનાવ્યો અને ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ વધ્યું.

પાંચ દાયકામાં પ્રજા વચ્ચે આવેલા આ પરિવર્તનમાં કઈ રીતે એકતા આવે તે પણ વિચારવાનું રહે છે. જોકે સરહદની બંને તરફ કોરિયન કુટુંબો રહે છે અને તેમના માટે લાગણીના અને કોટુંબિક સંબંધો વધારે અગત્યના છે. તેથી જ બંને નેતાઓ એકતા અંગેની વાતો કરી શકે છે.

જોકે બંને દેશો જર્મનીની જેમ એક થઈ જશે તે હાલના તબક્કે વધારે પડતું લાગે છે, પણ કમ સે કમ સત્તાવાર રીતે યુદ્ધની સમાપ્તિ થાય તે પણ મોટું પગલું ગણાશે. 1945માં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, તેની ઝાળ કોરિયન દ્વીપકલ્પને લાગી ગઈ હતી. જાપાન છેક બ્રિટીશ ઇન્ડિયાની સરહદે પહોંચી ગયું હતું. સમગ્ર કોરિયા અને ચીન પર જાપાનનો લોખંડી પંજો પડ્યો હતો. કોરિયામાં અનહદ ત્રાસ જાપાની સૈનિકોએ ગુજાર્યો હતો. જાપાનને અટકાવી શકાશે તેમ લાગતું નહોતું. આખરે અમેરિકાએ બે અણુબોમ્બ ઝીંક્યા અને જાપાને પીછેહઠ કરવી પડી.

જાપાને રાતોરાત સમગ્ર એશિયામાંથી સંકેલો કરી લેવો પડ્યો. કોરિયાને એમ જ રેઢું મેલીને જાપાનીઓ રવાના થયા. કોરિયાને અચાનક મુક્તિ મળી ગઈ, પણ તે સ્વંય મેળવેલી મુક્તિ નહોતી. તેથી સત્તા કોણે સંભાળે તે સવાલ ઊભો થયો હતો. રશિયા અને અમેરિકાએ કોરિયાના બે ભાગલા કરી નાખ્યા. અડધો અડધો ભાગ બંનેએ પોતાના કબજામાં લઈ લીધો. કામચલાઉ ધોરણે થયેલી એ વ્યવસ્થા લાંબો સમય ચાલી. દરમિયાન ઉત્તર કોરિયામાં આઝાદી માટેની લડત ઉગ્ર બનવા લાગી હતી અને ચીનની મદદથી વિદેશીઓને હાંકી કાઢવામાં આવ્યા. કિમના દાદાએ સત્તા સંભાળી અને 1950માં અમેરિકાના કબજામાં રહેલા વિસ્તારને છોડાવવા માટે યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું અને ત્રણ વર્ષ ચાલ્યું.

યુદ્ધને કારણે કોરિયા એક થવાના બદલે કાયમી ધોરણે બે ટુકડામાં વહેંચાઈ ગયું. ભારે ખાનાખરાબી સાથેના યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે વચ્ચે પડીને તે અટકાવ્યું. તે વખતે સમજૂતિઓ થઈ અને બંને દેશોના સૈનિકોની આપલે કરવામાં આવી ત્યારે ભારતીય સેના અને તેમના અનુભવી સેનાપતિઓની મદદ લેવામાં આવી હતી. ભારતીય દળોએ શાંતિ સ્થાપનાનું કામ કર્યું હતું અને બંને વચ્ચે એક કામચલાઉ સરહદ બનાવી લેવાય. વચ્ચે ચાર કિલોમિટરનો વિસ્તાર યુદ્ધવિરામનો વિસ્તાર જાહેર કરી દેવાયો. બંને તરફ સૈનિકો ગોઠવાયેલા રહ્યા, પણ યુદ્ધવિરામને કારણે પાંચ દાયકાથી સ્થિતિ યથાવત્ રહી છે.

આ ચાર કિલોમિટરના પટ્ટામાં કેટલાક ગામો વચ્ચે આવતા હતા. તેમાંનું જ એક ગામ જ્યાં બંને નેતાઓ મળ્યા અને ફોટા પડાવ્યા. પણ હસતા મોઢે ફોટા પડાવ્યાથી આગળ વધીને બંને દેશોએ હસતા મોઢે જૂનું ભૂલીને નવેસરથી સંબંધોના તાર જોડવાના છે. તે કેવી રીતે થશે તે સમય જ કહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]