મુંબઈઃ અહીંના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘હંસા હેરિટેજ’ હાઉસિંગ સોસાયટીમાં ગઈ કાલે રાતે લાગેલી આગમાં બે જણનાં મરણ થયા છે. ઈન્ડિયન્સ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મથુરાદાસ રોડ પર આવેલી 15-માળની ‘હંસા હેરિટેજ’ ઈમારતના 14મા માળ પરના એક ફ્લેટમાં ગઈ કાલે રાતે લગભગ 8.30 વાગ્યે આગ લાગી હતી. મૃતકોનાં શરીર આગમાં સંપૂર્ણપણે બળી ગયા હતા. એમની ઓળખ હજી કરી શકાઈ નથી. મૃતકોમાં એક મહિલા હોવાનો અહેવાલ છે. આગના કારણની પણ હજી સ્પષ્ટતા થઈ શકી નથી.
આગની જાણ કરાતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો ચાર ફાયર એન્જિન્સ અને ત્રણ જમ્બો વોટર ટેન્કર સાથે તત્કાળ ત્યાં પહોંચી ગયા હતા. આગને ફાયર બ્રિગેડે લેવલ-1 ગણાવી હતી. ફાયરમેનોએ કેટલાક કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કાંદિવલી વેસ્ટમાં એસ.વી. રોડ પર આવેલી મહાનગરપાલિકા સંચાલિત શતાબ્દી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે આગમાં ભોગ બનેલા બે જણને હોસ્પિટલમાં લવાયા હતા ત્યારે એમને મૃત લાવેલા ઘોષિત કરવામાં આવ્યા હતા.
