મુંબઈઃ ટીવી હિન્દી સિરિયલોનો જાણીતો અભિનેતા સમીર શર્મા મુંબઈના મલાડ ઉપનગરમાં એના નિવાસસ્થાને ગઈ કાલે રાતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. એનો મૃતદેહ રસોડામાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે એણે આત્મહત્યા કરી છે.
સમીર શર્મા 44 વર્ષનો હતો. એ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘જ્યોતિ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવી ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં ચમક્યો હતો.
મલાડ પોલીસને ઘટનાની જાણ ગઈ કાલે રાતે લગભગ 8 વાગ્યે કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે સમીરના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ નથી મળી, પણ પ્રાથમિક રીતે એને આ આત્મહત્યાનો કેસ જણાયો છે.
પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. સમીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસનું કહેવું છે કે મૃતદેહની હાલત જોતાં એવી શંકા છે કે સમીર બે દિવસ પહેલાં આત્મહત્યાને લીધે મૃત્યુ પામ્યો હતો.
નેહા હાઉસિંગ સોસાયટીમાં B-વિંગના પહેલા માળ પરના 102 નંબરના ફ્લેટમાં સમીર એકલો રહેતો હતો. મકાનનો વોચમેન જ્યારે કોઈક કામસર B વિંગમાં ગયો હતો ત્યારે એણે બારીમાંથી નજર કરતાં એને સમીરનો મૃતદેહ પંખા સાથે લટકતો જણાયો હતો.
વોચમેને ત્યારબાદ તરત જ મલાડ પોલીસને જાણ કરી હતી.
સમીરે આત્મહત્યા કેમ કરી એ વિશે કોઈ જાણકારી મળી નથી. કહેવાય છે કે સમીર કોઈક ગંભીર બીમારીથી પીડાતો હતો. એને તે ઉપરાંત બીજી પણ સમસ્યાઓ હતી.
પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.