મુંબઈઃ ‘એટલી સમજણ મને પરવરદિગાર દેજે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સૌનો વિચાર દેજે…’ આ પંકિત જો પાંચ, છ અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓ બોલતાં હોય તો સાંભળનારને કેવું લાગે? કેટલો આનંદ થાય? આવો માહોલ ગયા સોમવારે કાંદિવલીની એસવીપીવીવી શાળામાં રચાયો હતો. મૂલ્ય ઘડતર એ વર્તમાન સમયની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. ‘વિદ્યા વિનયેન શોભતે’ને સાચા અર્થમાં સાર્થક કરતી કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં કવિ મુકેશ જોષીએ દોઢસોથી વધુ વિધાર્થીઓને સંબોધતી વખતે પોતાની આગવી શૈલીમાં વ્યક્તિત્વ વિકાસના મૂલ્યોનું સિંચન કરતી રસપ્રદ વાતો કરી હતી.
આ કાર્યક્રમમાં કેઈએસના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહ, કે.ઈ.એસ.નાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સીએઓ) સંગીતા શ્રીવાસ્તવ અને શાળાનાં શિક્ષિકાઓ હાજર રહ્યાં હતાં.
અભ્યાસક્રમ દ્વારા કારકિર્દીનું નિર્માણ થાય છે પણ કેળવણી ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર કરે છે, એ વાતને ધ્યાનમાં રાખીને બાર અને તેર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંમર એટલે બૌદ્ધિક ગ્રહણશક્તિ કેળવવાની ઉંમર. મહેશભાઈ શાહના શબ્દોમાં: ‘ટીનએજ – ટીન એટલે ડબ્બો અને ડબ્બામાં પથરા પણ ભરી શકાય અને પૈસા પણ… નક્કી આપણે કરવાનું હોય.’
કવિ મુકેશ જોષીએ પોતાના વક્તવ્યમાં મરીઝની ઉપયુક્ત પંક્તિ સાથે બાળકોને સારા માણસ બનવા માટે ત્રણ ગુરુચાવી આપી: વડીલોને માન આપવું, પોતાના સુખ કે ખુશીની વહેંચણી કરવી અને કદી જૂઠું ન બોલવું. આ ત્રણ ગુરુચાવી સાથે બે કહેવત જણાવી: “અન્ન એવો ઓડકાર” અને “અન્ન તેવું મન.” આ કહેવતો પરથી એમણે મહાભારત આધારિત દુર્યોધન અને ભીષ્મ પિતામહની વાર્તા પણ કહી હતી. આ વાર્તામાં દુર્યોધને પોતાનું એંઠું અન્ન ભીષ્મ પિતામહને ખવડાવીને કેવી રીતે પોતાના તરફથી યુદ્ધ કરવા મનાવ્યા હતા એ વાત સમજાવી હતી. આ ઉદાહરણ ઉપરાંત વક્તાએ બહારનું ખાવાનું અને ઘરમાં માતાનાં હાથનું બનાવેલું જમવામાં કેવો અને શા માટે ફરક હોય છે તેની ગળે ઉતરી જાય એવી સરળ સમજ આપી હતી.
મુકેશ જોષી એ માત્ર વાર્તા જ નહીં પણ સાથેસાથે મહાભારત મહાકાવ્યના રચયિતા – મહર્ષિ વેદ વ્યાસનું સાચું નામ કૃષ્ણદ્વૈપાયન છે તે પણ જણાવ્યું. પાંચ પાંડવોના નામ તો સહુ કોઈને ખબર હોય, પણ સો કૌરવોમાંથી પાંચ કૌરવના નામ જાણમાં ન હોય. મુકેશ જોષીએ દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, વિચિત્રસેન અને સામ જણાવ્યા જેના પરથી એમના જ્ઞાનભંડારનો પરિચય મળતો અને વિધાર્થીઓની જિજ્ઞાસાને સંતોષ મળતો હતો. આમ, આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડનાર મહાકાવ્ય ‘મહાભારત’ વિશે જાણકારી આપીને કવિ મુકેશ જોષીએ મુલ્ય ઘડતરના શિક્ષણનો પહેલો મણકો આજના વકતવ્યથી મૂકી આપ્યો. મહેશભાઈએ આ વક્તવ્ય વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવા કહ્યું અને કવિ મુકેશ જોષીના હસ્તે જ આગલા કાર્યક્રમમાં ઈનામ વિતરણની જાહેરાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જીવનના પાયાના મૂલ્યો પણ શીખે-સમજે એવા હેતુ સાથે સંસ્થાએ આ પ્રકારના કાર્યક્રમો વારંવાર નિયમિતપણે શાળામાં યોજવાનું નક્કી કર્યુ છે.