મુંબઈ – કેન્દ્રની ભાજપ/NDA સરકારે સંસદમાં પાસ કરેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના સમર્થનમાં આજે મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ ભાજપે એક રેલીનું આયોજન કર્યું હતું.
ભાજપ દ્વારા જ રચાયેલા ‘સંવિધાન સન્માન મંચ’ જૂથે ગ્રાન્ટ રોડ સ્થિત ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં વિરાટ રેલીનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફડણવીસે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નાગરિકતા સુધારિત કાયદો કોઈ પણ ભારતીયનું નાગરિકત્વ છીનવશે.
ફડણવીસે પોતાના સંબોધનમાં CAA કાયદાના વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. એમણે કહ્યું કે જે લોકો CAAનો વિરોધ કરે છે તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને હિંસક પ્રવૃત્તિઓ કરતા 3 કરોડ બાંગ્લાદેશીઓનો વિરોધ કરવાનું ઈચ્છતા નથી.
ફડણવીસે કહ્યું કે સુધારિત કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલા લઘુમતી કોમોનાં લોકોને ભારતમાં નાગરિકત્વ આપવામાં આવશે. આ ત્રણ દેશોમાં લઘુમતી કોમોની માતાઓ અને બહેનો પર બળાત્કાર કરવામાં આવ્યો છે. જે લોકોને ત્યાં યાતના ભોગવવી પડી છે એમને CAA હેઠળ રાહત આપવાની વાત છે. જે લોકો CAAનો વિરોધ કરે છે તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા અને બોમ્બ ધડાકા કરી રહેલા 3 કરોડ બાંગ્લાદેશીઓનો વિરોધ કરતા નથી.
પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે વિરોધપક્ષવાળાઓ ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે. લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરવાની જે ખાતરી પાકિસ્તાને 1947ના ભાગલા વખતે આપી હતી એનું તેણે પાલન કર્યું નથી. તેથી ભારતે લઘુમતી કોમોનાં લોકોની સંભાળ લેવાનું નક્કી કર્યું છે.
ફડણવીસે એવો આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષો વોટ બેન્કના રાજકારણ માટે અસંતોષ ઊભો કરી રહ્યા છે અને ભારતના મુસ્લિમોના મગજમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે. જે નેતાઓ એમ કહે છે કે તેઓ પોતાના રાજ્યોમાં આ કાયદાનો અમલ નહીં કરે તેઓ બંધારણનો આદર કરતા નથી.