‘શ્યામ સમીપે’ પુસ્તકનું સ્નેહલ મુઝુમદારના હસ્તે લોકાર્પણ

મુંબઈઃ જ્યોત્સ્ના તન્ના રચિત પુસ્તક ‘શ્યામ સમીપે’ની બીજી આવૃત્તિનું લોકાર્પણ જાણીતા કટારલેખક અને સંતુરવાદક સ્નેહલ મુઝુમદારે ભારતીય વિદ્યા ભવન ખાતે કર્યું હતું. આ પ્રસંગે રાધાકૃષ્ણ અને મીરાનાં લોકપ્રિય ગીતો અને ભજનોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા કલાકાર આલાપ દેસાઇ અને હેમા દેસાઇએ લોકપ્રિય કૃષ્ણગીતો અને ભજનો રજૂ કરી શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી.

પુસ્તકના લોકાર્પણ કરીને સ્નેહલ મુઝુમદારે જણાવ્યું હતું કે, ‘લોકાર્પણ કરવાની નથી મારી લાયકાત, નથી મારી ઔકાત, નથી મારી તાકાત. પણ કૃષ્ણાર્પણ કરવાનો અધિકાર તો દરેક કૃષ્ણ ભક્તને છે અને એક કૃષ્ણ ભક્તને નાતે જ હું, આપણા સૌ વતી અહીં ઉપસ્થિત છું. બળતું ઘર કૃષ્ણાર્પણ તો ઘણા કરે પણ કૃષ્ણની વાત કૃષ્ણાર્પણ કરવાનો આનંદ જ અનેરો.’

એમણે ઉમેર્યું કે કૃષ્ણ વિશે તટસ્થભાવે લખવું અત્યંત અઘરું છે કારણ કે તમે કૃષ્ણના અભ્યાસી તરીકે દાખલ થાવ અને તમને ખ્યાલ પણ ન રહે કે તમે ક્યારે કૃષ્ણભક્તમાં વટલાઇ ગયા. જ્યોત્સનાબેન બોન્સાઇના વિશેષજ્ઞ છે અને આ વખતે નવી ફૂલદાની લઇને આવ્યા છે: આ પુષ્પોની ગોઠવણી કરી છે.  શ્યામપ્રિયા, શ્યામસખી, શ્યામસમર્પિતા અને શ્યામરંગી   શ્યામ સમીપે પુસ્તકમાં રાધા, દ્રોપદી, મીરા અને દક્ષિણની આંડાળ આ ચતુર્નારી અને ચતુર નારીનું અભ્યાસપૂર્ણ અને રસપૂર્ણ, તુલનાત્મક અને તટસ્થ આલેખન છે.  આ કાર્ય કપરું છે કારણ કે આ પાત્રો આપણા લોકમાનસમાં એવા તો વણાઈ ગયા છે કે શ્રદ્ધાના વિષયમાં સંશોધન, સમાલોચના કે શાણપણ લેખક માટે  જોખમકારક બની શકે. જ્યોત્સનાબેને એ કાર્ય અત્યંત વિવેકપૂર્વક કર્યું છે.

‘શ્યામ સમીપે’ પુસ્તકની આ દ્વિતીય આવૃત્તિ છે પણ એ દ્વિતીય હોવા છતાં અદ્વિતીય છે.  વસાવવા જેવું, વાંચવા જેવું, વાગોળવા જેવું, વિચારવા જેવું  અને વહેંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તક વાચકોને શ્યામના સામીપ્યની, શ્યામના સાયુજ્યની, શ્યામના સાન્નિધ્યની અનુભૂતિ કરાવશે.

આ પુસ્તકનું પ્રકાશન એન.એમ. ઠક્કરની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. પ્રકાશક હેમંત ઠક્કરે વક્તવ્ય આપતાં કહ્યું હતું કે રાધા, મીરા, દ્રોપદી અને આંડાલ વિશે આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ઘણી બધી જાણી-અજાણી વાતો રજૂ કરવામાં આવી છે. તેમણે લેખિકા જ્યોત્સ્ના તન્નાને અભિનંદન આપ્યા હતા. અને આ પુસ્તક રાહત દરે આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નંદિની ત્રિવેદીએ કર્યુ હતું. એમણે જણાવ્યું હતું કે જ્યોત્સનાબેને “મહાભારત અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર” વિષય ઉપર પી.એચ.ડી. કર્યુ છે. અને દ્રૌપદી વિશેનો લેખ લખતાં પહેલાં ૨૭ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.