માર્કેટ કેપિટલાઝેશનની દ્રષ્ટિએ દેશનું શેરબજાર NSE ચોથા ક્રમે

મુંબઈઃ દેશમાં ઈક્વિટી ઓપ્શન્સમાં વધી રહેલા ટ્રેડિંગને પગલે શેરબજારમાં ઇન્ડાયસિસ નવા ઉચ્ચતમ શિખરે પહોંચ્યા છે એ સાથે શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં માત્ર આઠ મહિનામાં એક કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા આઠ મહિનામાં સાત કરોડ પરથી વધીને આઠ કરોડની થઈ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દેશના શેરબજારમાં માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4 લાખ કરોડ (4 ટ્રિલિયન)ને આંબી ગયું છે, જે વિશ્વના દેશોમાં ચોથા ક્રમે છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા છે અને તે પછીના ક્રમે ચીન અને જપાન છે. બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે 11 સપ્ટેમ્બરે 20,000ની અને 8 ડિસેમ્બરે 21,000ની સપાટી વટાવી હતી.

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કરન્સી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 65 ટકા હિસ્સા અને બધા એસેટ ક્લાસના 61 ટકા હિસ્સા સાથે ટોચ પર છે.

ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઓછામાં ઓછું એક વાર ટ્રેડિંગ કર્યું હોય એવા રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં આશરે 31 ટકા વધીને 83.6 લાખની થઈ છે. કેશ માર્કેટમાં આવા રોકાણકારોની સંખ્યા જળવાઈ રહી છે, જ્યારે કરન્સી ડેરિવેટિવ્ઝમાં આવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

ઈક્વિટી ઓપ્શન્સમાં સોદાઓની કુલ સંખ્યા 134 ટકા વધી છે, જ્યારે ઈક્વિટી ફ્યુચર્સ, કરન્સી ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં આગલા વર્ષની તુલનાએ આશરે 32 ટકાથી અધિકનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે ઈક્વિટી ઓપ્શન્સમાં કુલ ટર્નઓવર અને દૈનિક સરેરાશ ટર્નઓવર અનુક્રમે 30 અને 33 ટકા વધ્યું છે.