‘ઉલ્ટા ચશ્મા’ સિરિયલના લેખકની આત્મહત્યા

મુંબઈઃ લોકપ્રિય હિન્દી કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક અભિષેક મકવાણાએ અહીં કાંદિવલી સ્થિત એમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે 37 વર્ષના હતા. એ ગુજરાતીમાં સુસાઈડ નોટ લખી ગયા છે, જેમાં એમણે આ અંતિમ પગલા માટે એમની આર્થિક ભીંસને કારણરૂપ ગણાવી છે. એમણે બીજી કોઈ વિગત આપી નથી. મકવાણાના મોતના આશરે એક સપ્તાહ પછી તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે અભિષેક સાઇબર છેતરપિંડી અને બ્લેકમેઇલનો ભોગ બન્યા હતા. પરિવારનું એમ પણ કહેવું છે કે મકવાણાના મૃત્યુ પછી છેતરપિંડી કરનારાઓ પરિવારના સભ્યો અને મિત્રોને સતત ફોન કરીને માગણી કરી રહ્યા છે કે મકવાણાએ એક લોનમાં તેમને ગેરેન્ટર બનાવ્યા હતા.

અહેવાલ અનુસાર 27 નવેમ્બરે ચારકોપ પોલીસ સ્ટેશને મકવાણા કાંદિવલીના એક બિલ્ડિંગમાં એમના ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. અભિષેકના ભાઈ જેનિસે કહ્યું હતું કે અભિષેકના મોત બાદ તેમના મોબાઇલ પર લોન ચુકવણી માટેના ફોન સતત આવતા હતા. મારા ભાઈએ લોન માટે અરજી કરી નહોતી તે છતાં એ લોકો એને નાની રકમ મોકલતા રહ્યા હતા. એમનો વ્યાજનો દર 30 ટકા જેટલો ઊંચો હતો. જેનિસનું વધુમાં કહેવું છે કે અભિષેકના ઈમેલ્સ અને ફોન પરના ટેક્સ્ટ મેસેજિસ પરથી માલૂમ પડ્યું છે કે એને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.


જેનિસે કહ્યું હતું કે ‘મારા ભાઈના મોત બાદ મેં તેના મેલ ચેક કર્યા હતા. મને અલગ-અલગ નંબર પરથી લોન ચૂકવી દેવા અંગેના ફોન આવ્યા હતા. એક નંબર બાંગ્લાદેશ, એક મ્યાનમાર અને બીજા ભારતનાં વિવિધ રાજ્યોમાં રજિસ્ટર્ડ હતા.’

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]