માતૃભાષાપ્રેમીઓનો મેળો લાગ્યાનો ગુર્જરી નમોસ્તુતે’માં માહોલ

મુંબઈઃ પહેલી ડિસેમ્બરનો દિવસ કાંદિવલી માટે સાવ નોખો બની રહ્યો હતો. માતૃભાષાપ્રેમીઓનો મોટો મેળો લાગ્યો હોય એવો માહોલ બની ગયો હતો. વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ અને ઠેર-ઠેરથી જોડાયેલા વિદ્યાર્થીઓ આ ઉત્સવની શાન બન્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેનાર હસ્તીઓએ સોનામાં સુગંધ ભેળવી દેવાની ભૂમિકા ભજવી હતી. 

કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કાંદિવલી એજયુકેશન સોસાયટી (KES) સંચાલિત KES શ્રોફ કોલેજમાં પહેલી ડિસેમ્બરે ગુજરાતી ભાષાના સંવર્ધનાર્થે આંતરરાષ્ટ્રીય મહોત્સવ “ગુર્જરી નમોસ્તુતે”નું ભવ્ય આયોજન થયું હતું, જેને એટલો જ ભવ્ય પ્રતિસાદ પણ મળ્યો હતો.  “લીલોતરીની કંકોતરી” એટલે કે “પ્રકૃતિનો રંગ ગુર્જરી સંગ” આ મુખ્ય વિષય વસ્તુ સાથે ધામધૂમથી થયેલી ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ સ્વરૂપે જાણીતાં અભિનેત્રી ભક્તિ રાઠોડ, વિશેષ અતિથિ સ્વરૂપે તન્મય વેકરિયા તથા ટીવી રિયલિટી શો માસ્ટર શેફના પાર્ટિસિપન્ટ ઊર્મિલાબહેન આશર પધાર્યાં હતાં.

આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રજ્વલન અને સુંદર નૃત્ય સાથે પ્રાર્થના ગીત ગવાયું હતું. કેઈએસ સંસ્થાના સંચાલક મંડળમાંથી ઉપપ્રમુખ મહેશ શાહ તથા માનદ સચિવ મહેશ ચંદારાણા અને KES શ્રોફ કોલેજના ડિરેક્ટર અને ગુજરાતી મંડળના પ્રમુખ ડો. લીલી ભૂષણે સહુનું સ્વાગત કર્યું હતું. ૬૫ કોલેજોમાંથી ૭૦૦ વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં સહભાગી થયા હતા, જેમાં ૮ (આઠ) દેશોમાંથી ઓનલાઇન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપપ્રમુખ મહેશ શાહે આ સર્વ પ્રતિસ્પર્ધીઓને બિરદાવવા સાથે ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું, તેમણે માતૃભાષાને મનના મંચ પર સ્થિર કરવાની વાત કરી હતી. તેમ જ વિદ્યાર્થીઓને પરિવારનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે એક રસપ્રદ ઉદાહરાણ આપતાં કહ્યું હતું કે મનના લોટાને સીધો રાખી જ્ઞાન ગ્રહણ કરો. જો લોટો ઊંધો હોય તો તેમાં કશું નહીં રહે.

મુખ્ય અતિથિ ભક્તિ રાઠોડે થિયેટરનું મહત્ત્વ સમજાવવા સાથે નર્મદ અને દલપતરામનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિની સમજ આપી હતી. જાણીતી ટીવી સિરિયલ્સ “પુષ્પા ઈમ્પોસીબલ” તથા “ભાખરવડી” જેવી પોપ્યુલર હિન્દી સિરીયલો અને ગદ્દર-૨ જેવી હિન્દી ફિલ્મોમાં ચમકનાર ભક્તિ રાઠોડે અભિનય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

“તમારી ભાષા તમારું ગૌરવ” એ સમજાવતા “તારક મહેતાના ઉલ્ટા ચશ્માં” સિરિયલમાં ‘બાઘા’ની ભૂમિકા ભજવનાર તન્મય વેકરિયાએ ગુજરાતી હોવાનો ગર્વ છે એમ કહી તેમણે ગુજરાતીમાં વાતચીત કરતા રહેવા અંગે અનુરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે તેને તારક મહેતા સિરિયલ મળી એથી વિશેષ ગુજરાતી કુટુંબમાં જન્મ્યાનો વધુ ગર્વ છે.

કઈ-કઈ સ્પર્ધા

‘ગુર્જરી નમોસ્તુતે’ના આ તેરમા વર્ષે યોજાયેલી વિવિધ તેર સ્પર્ધાઓમાં નિબંધ લેખન, ગાયન, નૃત્ય, ચિત્ર પરથી સર્જન, બેગ પેઈન્ટિંગ, મહેંદી, રંગોળી, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને વાનગી સ્પર્ધા સાથે એકોક્તિ અને કાવ્ય પઠન સ્પર્ધાએ રંગ જમાવ્યો હતો.