NSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ-કેપે ચાર લાખ કરોડ $ની સપાટી વટાવી

મુંબઈઃ નેશનલ સ્ટોક એકસચેંજ (NSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલી ડિસેમ્બર, 2023એ ચાર લાખ કરોડ ડોલર (રૂ. 334.72 લાખ કરોડ)ની સપાટી વટાવી ગયું હતું. તે જ દિવસે, નિફ્ટી 50 ઇન્ડેક્સ 20,291.55ની ઓલ ટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ તે જ દિવસે 18,141.65ની ઓલ ટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, જે દર્શાવે છે કે ઇક્વિટી માર્કેટની રેલી માત્ર લાર્જકેપ  શેરો સુધી મર્યાદિત નથી.  NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે NSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર ટ્રિલિયન યુએસ ડોલરની સપાટીએ વટાવી ગયું એ અમેરિકાના પાંચ ટ્રિલિયનના સમકક્ષ બનવાની દિશામાં મહત્ત્વની સિદ્ધિ છે. અર્થતંત્રનાં હકારાત્મક પરિબળોએ મૂડીબજારોને વેગ આપ્યો છે.

પ્રાઇમરી બજારમાં સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ સહિત કોર્પોરેટ્સ દ્વારા સંસાધનો એકત્ર કરવાની કામગીરી પ્રોત્સાહક રહી છે અને ભંડોળ એકત્ર કરવાની પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત અસરકારક વૈકલ્પિક પદ્ધતિ પૂરી પાડી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર, 2023 સુધીમાં કંપનીઓ દ્વારા ઇક્વિટી અને કોર્પોરેટ બોન્ડના પ્રાઈમરી માર્કેટ્સમાંથી રૂ.5,00,000 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.છેલ્લાં 10 વર્ષમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં 17.5 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે. નિફ્ટી 50 ઇન્ડેક્સે છેલ્લાં 10 વર્ષમાં 14 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ દર નોંધાવ્યો છે

માર્કેટ કેપિટલાઈઝેશન જુલાઈ, 2017માં બે લાખ કરોડ યુએસ ડોલર હતું, તે આશરે 46 મહિનામાં વધીને મે, 2021માં એક લાખ કરોડ વધીને ત્રણ લાખ કરોડ યુએસ ડોલર થયું હતું, જ્યારે ત્રણ લાખ કરોડ ડોલરથી ચાર લાખ કરોડ ડોલર માત્ર 30 મહિનામાં થયું છે. આંકડા દર્શાવે છે કે 4 લાખ કરોડ યુએસ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશનમાં કેન્દ્ર સરકારના કંપની બાબતોના મંત્રાલયમાં નોંધાયેલી કુલ ખાનગી કંપનીઓના માત્ર 0.35 ટકા કંપનીઓ એક્સચેન્જીસ પર લિસ્ટેડ છે એ જોતાં એનો ખ્યાલ આવી શકે છે કે હજી કેટલી મોટી સંખ્યામાં કંપનીઓ મૂડી એકત્ર કરવા ઈક્વિટી માર્કેટમાં આવી શકે છે. 

માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ટોચની ત્રણ કંપનીઓ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ અને એચડીએફસી બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન કુલ કેપિટલાઈઝેશન બે લાખ કરોડ, ત્રણ લાખ કરોડ અને ચાર લાખ કરોડ ડોલરનું હતું ત્યારે એકસમાન રહ્યું હતું.

દૈનિક સરેરાશ ટર્નઓવરમાં પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં ઇક્વિટી સેગમેન્ટમાં 27 ટકા અને ઇક્વિટી ડેરિવેટિવ્સમાં 5 ટકા વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં 10 વર્ષોમાં, ઇક્વિટી સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર છ ગણાથી વધુ વધ્યું છે અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝના દૈનિક સરેરાશ ટર્નઓવરમાં પાંચ ગણો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઈક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં વાર્ષિક ધોરણે 27 ટકાનો અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં પાંચ ટકાનો વધારો થયો છે. છેલ્લાં 10 વર્ષમાં ઈક્વિટી સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર છ ગણું અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં પાંચ ગણું વધ્યું છે.