મુંબઈઃ ભાજપના મુંબઈસ્થિત નેતા કિરીટ સોમૈયા પર પુણે મહાનગરપાલિકામાં શિવસૈનિકો દ્વારા કરાયેલા હુમલાને પગલે રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે. સોમૈયાએ મુંબઈ પહોંચીને એક વિડિયો શેર કર્યો છે. એમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર ષડયંત્ર ઘડવાનો આરોપ મૂક્યો છે. એ માટે તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ગૃહ પ્રધાનને મળવાના છે એમ પણ કહ્યું છે.
સોમૈયાએ વધુમાં કહ્યું છે કે મનસુખ હિરણની હત્યા બાદ ઠાકરે સરકાર હવે મારી હત્યાનું કાવતરું ઘડે છે. મારા હાથપગ તોડી નાખવાનું કહેવામાં આવ્યું હતું. એ મામલે પુણે પોલીસ તપાસ કરી રહી છે. ઠાકરે સરકારમાં કૌભાંડો બહાર આવવાના હોવાથી એ લોકો ગભરાઈ ગયા છે. આમાં સંજય રાઉત, અનિલ પરબનો સમાવેશ થાય છે. મોદી સરકારે આપેલી સુરક્ષાએ મને બચાવ્યો, એમ સોમૈયાએ કહ્યું.
