પંઢરપુરમાં બસ-કારનાં ભીષણ અકસ્માતમાં 6 મુંબઈવાસીનાં કરૂણ મૃત્યુ

મુંબઈ – મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પંઢરપુરમાં ગઈ કાલે સાંજે એક એસ.ટી. બસ અને એક કાર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારમાં પ્રવાસ કરી રહેલાં 6 જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે.

મૃતકો મુંબઈનાં રહેવાસીઓ હતાં. એમાં 3 મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે.

મૃતકોનાં નામ છેઃ સચીન સુરેશ કોકણે, સવિતા સચીન કોકણે, આર્યન સચીન કોકણે, શ્રદ્ધા રાજેશ સાવંત અને પ્રથમ રાજેશ સાવંત. જ્યારે ધનશ્રી રાજેશ સાવંતની હાલત ગંભીર છે.

મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં રહેતા સુરેશ કોકણેની લક્ષ્મી કેટરર્સ નામની કંપની છે. કોકણે પરિવાર અક્કલકોટથી પંઢરપૂર દર્શન કરવા જતો હતો ત્યારે પંઢરપૂર નજીક ઈશ્વરઠાર વિસ્તારમાં એમની કારને અકસ્માત થયો હતો.

કારમાં પ્રવાસ કરી રહેલાં બે છોકરા ગંભીર રીતે જખ્મી પણ થયાં હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એમાંની એક છોકરીનું બાદમાં મરણ નિપજ્યું હતું.

આ અકસ્માતની ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે.

ગઈ કાલે સાંજે લગભગ પાંચ વાગ્યાના સુમારે તે અકસ્માત થયો હતો.

કાર પંઢરપુર તરફ જતી હતી જ્યારે એસ.ટી. બસ સોલાપૂરની દિશા તરફ જતી હતી.

કહેવાય છે કે કારની સ્પીડ વધારે હતી એટલે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બસ સાથે અથડાયા બાદ કાર બસના આગળના ભાગની અંદર ઘૂસી ગઈ હતી. એને કારણે કારમાંના પાંચ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

જખ્મી થયેલાં બે બાળકોને સોલાપૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.