મહાનગરપાલિકા બજેટ-2019: મુંબઈગરાં નવા વેરામાંથી બચી ગયાં

મુંબઈ – ગયા અઠવાડિયે કેન્દ્રીય બજેટ આવી ગયું અને આજે રજૂ થયું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નું નાણાકીય વર્ષ 2019-20 માટેનું બજેટ. બીએમસી કમિશનર અજય મહેતાએ રજૂ કરેલા રૂ. 30,692.59 કરોડના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં 12.60 ટકાનો વધારો દર્શાવાયો છે.

ગયા વર્ષનું બજેટ રૂ. 27,258.07 કરોડનું રજૂ કરાયું હતું અને તે પણ એના અગાઉના વર્ષ કરતાં આશરે 10 ટકા વધારે હતું.

ભંડોળની દ્રષ્ટિએ એશિયાની મહાનગરપાલિકાઓમાં સૌથી ધનવાન ગણાતી મુંબઈ મહાનગરપાલિકાએ વર્ષ 2019-20 માટે રૂ. 2733 કરોડનું શિક્ષણ બજેટ રજૂ કર્યું છે. ગયા વર્ષે આ બજેટ રૂ. 2,569 કરોડ હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ આગામી વર્ષમાં શહેરની મહાપાલિકા સંચાલિત શાળાઓને નવો ઓપ આપવા માટે આ બજેટનાં નાણાંનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આમાં, શાળાઓની સંગીત એકેડેમીઓ, ખેલમેદાનો, સીસીટીવી કેમેરાઓ, ડિજિટલ ક્લાસરૂમ્સ અને ઈલેક્ટ્રોનિક લાઈબ્રેરીઓનો સમાવેશ થાય છે. મહાપાલિકાની શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પણ લક્ષ્યાંક નક્કી કરાયો છે.

મહાપાલિકાએ જે અમુક મોટી યોજનાઓ માટે ખર્ચ કરવા બજેટમાં જોગવાઈ કરી છે એમાં ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનો સમાવેશ થાય ચે. એ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શહેરના રસ્તાઓની હાલત સુધારવા અને ટ્રાફિક વિભાગ માટે બજેટમાં રૂ. 1,520.09 કરોડની ફાળવણી કરાઈ છે. આ ખર્ચમાં રસ્તાઓ તથા જંક્શન્સનાં સમારકામના ખર્ચનો સમાવેશ થાય છે.

મહાપાલિકાએ વિદ્યાર્થીઓનું ભાષાકીય કૌશલ્ય ખિલવવા માટે રૂ. લેન્ગ્વેજ લેબોરેટરીની રચના કરવાનું નક્કી કર્યું છે. એ માટે રૂ. 1.30 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહાપાલિકાએ તેના મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 1600.07 કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનો કુલ અંદાજીત ખર્ચ થાય છે રૂ. 12,969 કરોડ.

રસ્તાઓ, સ્ટોર્મ વોટર નિકાલ માટેના નાળાં, પૂલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર પ્રોજેક્ટ્સ જેવી શહેરની માળખાકીય સવલતોની સુધારણા માટે પણ રૂ. 11,480.42 કરોડની ફાળવણી કરી છે.

બીએમસી કમિશનર મહેતાએ કહ્યું કે બજેટમાં હાલના કરવેરાના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી કે કોઈ નવા વેરા નાખવામાં આવ્યા નથી.

શહેરમાં બાગ-બગીચાઓ તથા પ્રાણીબાગની જાળવણી માટે રૂ. 387 કરોડ ફાળવવામાં આવ્યા છે.

શહેરમાં આગની ઘટનાઓ વખતે ખડે પગે રહેતા જવાનોનાં વિભાગ ફાયર બ્રિગેડના અપગ્રેડેશન માટે મહાપાલિકા બજેટમાં રૂ. 201 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં પણ સિટી બસ સેવાનું સંચાલન કરતી BEST કંપનીની આર્થિક ભીંસને ઘટાડવા માટે રૂ. 34.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘બેસ્ટ’ વહીવટીતંત્રમાં જે સુધારો કરવામાં આવે એનો સીધો લાભ બસપ્રવાસીઓને મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વધુમાં, આ કંપનીના કર્મચારીઓની સુખાકારી માટે પણ રૂ. 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

જાહેર આરોગ્ય વિભાગ માટે રૂ. 4,151.14 કરોડનું ભંડોળ નક્કી કરવામાં આવ્યું છે. બીએમસીના કુલ બજેટમાં આનો હિસ્સો 13 ટકા થાય છે. એવી જ રીતે, વિકાસ યોજના માટે રૂ. 3,323 કરોડ ફાળવવામાં આવ્યા છે.

દાદરના શિવાજી પાર્ક ખાતે મુંબઈના મેયરનું નવું સત્તાવાર નિવાસસ્થાન બાંધવામાં આવી રહ્યું છે. એ માટે 2,745 સ્ક્વેર મીટરનો પ્લોટ છે. બાંધકામ આ જ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે. એ માટે બજેટમાં એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

શહેરભરમાં ફૂટપાથો માટે નવી સુધારણા નીતિ ઘડવામાં આવનાર છે. એ માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. એ નીતિ અમલમાં આવી ગયા બાદ ફૂટપાથો પર ગેરકાયદેસર ખોદકામ કરવાનું બંધ થશે.

મીઠી નદી ઉપરાંત દહિસર, પોઈસર અને ઓશિવરા નદીઓમાં ગંદા કચરાના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ નદીઓનાં સુશોભિકરણ માટે રૂ. 825.05 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવી હોસ્પિટલો બાંધવા તથા હાલની હોસ્પિટલોમાં સાધન-સામગ્રીમાં સુધારો કરવા માટે પણ રૂ. 4,151.14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જાહેર શૌચાલયોના બાંધકા માટે રૂ. 104.47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહાપાલિકા સંચાલિત શૌચાલયોમાં પાણી તથા વીજળીનો પૂરવઠો ઉચિત રીતે સપ્લાય થાય એની પર ખાસ ભાર મૂકવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]