મુંબઈ – મહારાષ્ટ્રમાં 2019ના અંત ભાગ કે 2020ના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણી આવશે. હાલની શાસક ભાગીદાર પાર્ટીઓ – ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વખતથી થોડીક કડવાશ ઊભી થઈ છે.
ભાજપે હાલમાં જ 3 રાજ્ય – છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયને કારણે ગુમાવી દીધા છે ત્યાં હવે મહારાષ્ટ્રમાં એના ભાગીદાર શિવસેનાએ પણ દબાણ ઊભું કર્યું છે.
ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીએ ભાજપને ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે અને સૂત્રોના જણાવ્યા મુજબ, એણે 288-બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 155 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવા દેવાની શરત મૂકી છે.
કહેવાય છે કે ભાજપે આ મુદ્દે શિવસેના સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે જેથી આંકડા અંગે કોઈક સમજૂતી સાધી શકાય.
હાલની વિધાનસભામાં, ભાજપના 121 સભ્યો છે જ્યારે શિવસેનાનાં 63 સભ્યો છે. બંનેનાં મળીને 184 સભ્યો થાય છે. 288-સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 145 સભ્યો હોવા જોઈએ.
શિવસેનાની માગણી છે કે પોતે 2014ની ચૂંટણીમાં જીતેલી 63 બેઠકો ઉપરાંત તેણે કે ભાજપે જીતી નહોતી એવી કુલ 104 સીટોમાંથી 85 બેઠકો પોતાને ફાળવવામાં આવે. આમ, તે કુલ 155 બેઠકો માગે છે.
શિવસેનાની બીજી માગણી એ છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી 2019માં લોકસભાની ચૂંટણીની સાથે જ યોજવી જોઈએ.
મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 2019ના નવેંબરમાં પૂરી થાય છે – લોકસભાની ચૂંટણી પૂરી થયાના લગભગ છ મહિના પછી.
ભાજપના પ્રમુખ અમિત શાહ ગયા બુધવારે જ મુંબઈમાં શિવસેનાનાં નેતાઓને મળ્યા હતા અને લોકસભા ચૂંટણી બંને પક્ષ સાથે મળીને લડે એ માટે એમને સમજાવવાની કોશિશ કરી હતી.
શાહે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને ખાતરી છે કે શિવસેના પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં અમારી સાથે જ રહેશે, એ માટે એમની સાથે અમારી વાટાઘાટ ચાલુ છે.
લોકસભામાં, મહારાષ્ટ્રની 48 બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 23 સીટ જીતી હતી જ્યારે શિવસેનાને 18 બેઠક મળી હતી.
શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે એમની પાર્ટી ચૂંટણીઓ એકલે હાથે લડશે. જેને કારણે ભાજપમાં ચિંતા ઊભી થઈ છે કે જો એવું થશે તો પોતાના વોટ તૂટશે.