રેલવે તરફથી નવા વર્ષની ગિફ્ટઃ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સફરની સાથે શોપિંગ પણ કરી શકાશે

મુંબઈ –  કેટલીક ફ્લાઈટ્સમાં જેમ સુવિધા મળે છે એવી જ રીતે, જાન્યુઆરીથી રેલવે પ્રવાસીઓને પસંદગીની ટ્રેનોમાં સફર દરમિયાન અમુક ચીજવસ્તુઓની ખરીદી કરવા મળશે.

રેલવે વહીવટીતંત્રએ પ્રવાસીઓને સફર દરમિયાન બ્યૂટી પ્રોડક્ટ્સ, હોમ અને કીચન એપ્લાયન્સીસ તથા ફિટનેસને લગતા સાધનોના વેચાણ-ખરીદીની પરવાનગી આપી છે.

પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે 16 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પાંચ વર્ષના સમયગાળા માટે ઓન-બોર્ડ શોપિંગ માટેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપ્યો છે. આ કંપનીને ઘરેલુ ચીજવસ્તુઓ તથા બ્યૂટી ઉત્પાદનો ટ્રેનોમાં વેચવાનું લાઈસન્સ આપવામાં આવ્યું છે.

તે છતાં, આ કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારના ખાદ્યપદાર્થો, સિગારેટ, ગુટકા કે આલ્કોહોલ વેચવા દેવામાં નહીં આવે.

કોન્ટ્રાક્ટ પાંચ વર્ષના સમયગાળા માટે અને રૂ. 3.5 કરોડની કિંમતે આપવામાં આવ્યો છે.

નિશ્ચિત કરાયેલી ચીજવસ્તુઓ ટ્રેનોમાં સફર દરમિયાન કાર્ટ્સમાં વેચવામાં આવશે. બે કર્મચારી ગણવેશમાં હશે અને એમને આ કામકાજ માટે રોકવામાં આવશે. આ વેચાણ સવારે 8 અને રાતે 9 વાગ્યાની વચ્ચેના સમયમાં કરવા દેવામાં આવશે.

પ્રવાસીઓ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઉત્પાદનો ખરીદી શકશે.

શરૂઆતમાં, પ્રથમ તબક્કામાં બે જ ટ્રેનમાં આ શોપિંગ સેવા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ દરેક તબક્કે બે ટ્રેનનો ઉમેરવામાં આવશે.

પ્રવાસીઓને કેટલોગ સર્ક્યૂલેટ કરવામાં આવશે જેથી તેઓ એમને ગમે એ ચીજવસ્તુઓ પસંદ કરી શકે અને કાર્ટ ફરતી હોય ત્યારે ખરીદી શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]