વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 33 હજાર કરોડની મેટ્રો યોજનાઓનો શુભારંભ કરાવ્યો

મુંબઈ/પુણે – આજે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બે નવી મેટ્રો રેલવે લાઈન માટેનો શિલાન્યાસ કર્યો છે અને પરવડી શકે એવા હાઉસિંગ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો છે. આ યોજનાઓ માટે સરકાર દ્વારા રૂ. 33,000 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદીએ પડોશના થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં આયોજિત કાર્યક્રમમાં મહત્ત્તવાકાંક્ષી એવી થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો લાઈન-5 તથા દહિસર-મીરા રોડ-ભાયંદર મેટ્રો લાઈન-9નું ભૂમિપૂજન કર્યું હતું. આ બે મેટ્રો લાઈનના બાંધકામ માટે રૂ. 15,000 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે.

વડા પ્રધાને નવી મુંબઈમાં ટાઉન પ્લાનિંગ ઓથોરિટી એજન્સી સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીડકો) સંચાલિત સમૂહ હાઉસિંગ સ્કીમનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના રૂ. 18,000 કરોડની છે.

થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો કોરિડોર (મેટ્રો-5) 24.9 કિ.મી. લાંબી હશે. 2021 સુધીમાં એ શરૂ થઈ જશે ત્યારબાદ આશરે 2.29 લાખ પ્રવાસીઓને તેનો લાભ મળશે. આ યોજના માટે રૂ. 8,416 કરોડ ખર્ચવામાં આવશે. આ મેટ્રો લાઈન પર છ-ડબ્બાવાળી ટ્રેન દોડશે અને સમગ્ર લાઈન પર 17 સ્ટેશનો હશે.

દહિસર-મિરા-ભાયંદર કોરિડોર (મેટ્રો-9) 10.3 કિ.મી. લાંબી એલિવેટેડ હશે. એની પર 8 સ્ટેશનો હશે. આ યોજના 2022 સુધીમાં પૂરી થવાની ધારણા છે. આ યોજના માટેનો ખર્ચ રૂ. 6,607 કરોડ અંદાજવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે મુંબઈ તથા થાણે જિલ્લા-શહેરો ઝડપથી વિસ્તરણ પામી રહ્યા છે. ખાસ કરીને રોડ અને રેલવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર દબાણ આવ્યું છે. લોકોની તકલીફો ઓછી કરવા માટે આ બંને શહેરમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ભાજપની સરકારે ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુધારા કર્યા છે.

પૂર્વેની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢતાં મોદીએ કહ્યું કે મુંબઈમાં પહેલો મેટ્રો રેલવે પ્રોજેક્ટ 2006માં શરૂ કરવામાં આવ્યો હતો, પણ એને પૂરો કરતાં એ સરકારે આઠ વર્ષ લગાડ્યા હતા. છેક, 2014માં એ પ્રોજેક્ટ (વર્સોવા-ઘાટકોપર રૂટ) શરૂ કરવામાં આવ્યો હતો, જે માત્ર 11 કિ.મી.નો છે.

2014માં, અમારી પાર્ટી કેન્દ્રમાં આવ્યા બાદ અમે મુંબઈમાં મેટ્રો લાઈન્સનું કામકાજ અને એની ગતિ વધારવાનો નિર્ણય લીધો હતો. આવતા ત્રણ વર્ષમાં જ મુંબઈમાં મેટ્રો નેટવર્કમાં બીજા 35 કિ.મી.નો ઉમેરો થશે. 2022 અને 2024 વચ્ચે તો મુંબઈમાં મેટ્રો નેટવર્ક આશરે 275 કિ.મી.નું થઈ જશે.

વડા પ્રધાને આ ઉપરાંત નવી મુંબઈ શહેર માટેની ટાઉનપ્લાનિંગ સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીડકો)ની રૂ. 18 હજાર કરોડની કિંમતની સમૂહ હાઉસિંગ યોજનાનો પણ શુભારંભ કર્યો હતો. આ યોજના અન્વયે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 89,771 ઘરોનું વિતરણ કરવામાં આવશે.

મેટ્રો લાઈનોના શિલાન્યાસ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. બાદમાં, નેતાઓ પુણે જવા માટે રવાના થયા હતા.

કલ્યાણમાં આયોજિત કાર્યક્રમમાં મોદીએ કરેલા ભાષણને સાંભળો…

httpss://twitter.com/PMOIndia/status/1074966256078381057

પુણેમાં મેટ્રો લાઈન-3 પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે મોદીએ કહ્યું કે, હિંજવાડી-શિવાજીનગર જોડતી મેટ્રો લાઈન શરૂ થશે ત્યારે દેશના સૌથી વ્યસ્ત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેન્ટર્સમાંના એક, પુણેને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
બે વર્ષ પહેલાં મને જ પુણે મેટ્રો પ્રોજેક્ટનો શુભારંભ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું હતું. મને એ વાતની ખુશી છે કે જે બે કોરિડોર પર કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. મને આશા છે કે આવતા વર્ષના અંત સુધીમાં પુણેમાં 12 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.

મોદીએ કહ્યું કે પુણે શહેર શિક્ષણ, ઈન્ફોર્મશન ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને બિઝનેસનું પણ મોટું કેન્દ્ર છે. આ નોલેજનું સેન્ટર છે, ટેક્નોલોજીનું સેન્ટર છે.

મોદીએ કહ્યું કે સરકારે દેશમાં મેટ્રો રેલવેના વિકાસ માટે મેટ્રો પોલિસી બનાવી છે. તે અંતર્ગત પુણે મેટ્રોનો આ પહેલો જ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ છે PPP એટલે કે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપનો. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર સાથે મળીને મહારાષ્ટ્રના, પુણેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં વ્યસ્ત થઈ છે. હિંજવાડી-શિવાજીનગર મેટ્રો લાઈન એ રીતે વિશેષ છે.

 

મોદીએ કહ્યું કે આજે દેશભરમાં 500 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈનો ચાલી રહી છે અને લગભગ 650 કિલોમીટરથી પણ વધુ લાઈનો પૂરી થવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 200 કિલોમીટરથી વધુની મેટ્રો લાઈનોનું નિર્માણ કરી રહી છે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]