માથેરાનમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓને સુધારવામાં આવશે

મુંબઈ – દેશમાં વાહનો પર પ્રતિબંધ ધરાવતું એકમાત્ર પર્યટન સ્થળ છે માથેરાન. મુંબઈ નજીક, પડોશના રાયગડ જિલ્લામાં, કર્જત તાલુકામાં પશ્ચિમી ઘાટમાં આવેલા આ ગિરિમથક ખાતે માત્ર ઘોડા અને અમુક હાથરિક્ષાની જ સુવિધા છે. વાહનોને લઈ જવાની અહીં પરવાનગી ન હોઈ અહીંના રસ્તાઓ કાચા, લાલ માટીના, કુદરતી સ્થિતિના જ છે. ભારતમાં આ સૌથી નાનું હિલ સ્ટેશન છે.

ચોમાસાની ઋતુમાં આ રસ્તાઓની હાલત બહુ ખરાબ થઈ જાય છે. માથેરાનમાં દર વર્ષે 150 ઈંચથી પણ વધારે વરસાદ પડતો હોય છે.

હવે માથેરાન પરના રસ્તાઓની હાલત સુધારવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રૂ. 25 કરોડના ભંડોળની ફાળવણી કરી છે.

રાજ્ય સરકારે આ ઉપરાંત માથેરાનમાં એક વિશાળ સ્પોર્ટ્સ સંકુલ બાંધવાનું પણ નક્કી કર્યું છે. એ માટે સાત કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આ  માહિતી માથેરાનનાં નગરાધ્યક્ષા પ્રેરણા સાવંતે પત્રકારોને આપી હતી.

પ્રેરણા સાવંતની આગેવાની હેઠળ નગરપાલિકાનું એક પ્રતિનિધિમંડળ હાલમાં જ મુખ્ય પ્રધાન ઠાકરેને મળ્યું હતું અને એમને જણાવ્યું હતું કે માથેરાનમાં વરસાદને કારણે રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને એની પર તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે.

સ્થાનિક લોકો ઘોડાઓ અને હાથરિક્ષાઓ પર પર્યટકોને બેસાડીને અને એમનો સામાન લઈ જઈને પોતાની આજીવિકા મેળવે છે.

દર વર્ષે માથેરાનમાં દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો ફરવા આવતા હોય છે. માથેરાનનું કુદરતી સૌંદર્ય જળવાઈ રહે, આ નયનરમ્ય સ્થળ પ્રદૂષણ-મુક્ત રહે એ માટે ત્યાં પાકા રસ્તા બનાવવા દેવામાં આવતા નથી અને વાહનો ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.

નેરળ રેલવે સ્ટેશનેથી નેરો-ગેજની રમકડાં ગાડીમાં બેસીને માથેરાન પહોંચી શકાય છે.

માથેરાન મુંબઈ શહેરથી 90 કિ.મી. દૂર આવેલું છે. આશરે 800 મીટર (2,625 ફૂટ) ઊંચે આવેલા માથેરાનને મુંબઈ મેટ્રોપોલિટન રિજનનો એક હિસ્સો ઘોષિત કરવામાં આવ્યું છે.