મહારાષ્ટ્રમાં રસ્તાઓ પરના ખાડા દૂર કરોઃ ઉદ્ધવ ઠાકરેનો અધિકારીઓને નિર્દેશ

મુંબઈ – ‘સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યના રસ્તાઓ ખાડા-મુક્ત થવા જોઈએ અને નવા રસ્તાઓના બાંધકામમાં પણ ઝડપ લાવવા માટે પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરો.’ આવી સૂચના રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓને આપી છે.

ઠાકરેએ આ વિભાગના અધિકારીઓની આજે અહીં મંત્રાલય ખાતે બેઠક બોલાવી હતી.

સરકારે સાર્વજનિક બાંધકામ વિભાગને રાજ્યભરના મુખ્ય માર્ગોનું કામકાજ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર નવો ટનેલ માર્ગ, મંત્રાલયનું આધુનિકીકરણ, નાગપુર-મુંબઈ સમુદ્રી મહામાર્ગ, બાન્દ્રા-વર્સોવા સી લિન્ક, અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક વગેરે જેવી યોજનાઓ ફાળવવામાં આવી છે.

ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય હાઈવે, સ્ટેટ હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગો, ગ્રામીણ રસ્તાઓ થઈને કુલ ત્રણ લાખ કિ.મી.ના રસ્તાઓ છે. આ રસ્તાઓની દેખભાળ અને સમારકામ માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તાઓને વધારે લાંબા સમય માટે ટકાઉ બનાવવાની જરૂર છે. એ માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રસ્તાઓનો વિકાસ થવો જોઈએ.

રસ્તાઓના કામકાજો માટે વર્લ્ડ બેન્ક પાસેથી સરળ શરતો ઉપર લોન મળી શકે છે કે કેમ એ વિશેની વિગતો જણાવવાનો પણ ઠાકરેએ અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.

આ બેઠકમાં સાર્વજનિક બાંધકામ વિભાગના મુખ્ય સચિવ મનોજ સૌનિક, રાજ્યના કેબિનેટ પ્રધાનો – એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ, વિધાનસભ્ય અનિલ પરબ, મુખ્ય સચિવ અજૌય મહેતા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.