પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આઘાડી સરકારને કોઈ ઉતાવળ નથી; ઉદ્ધવ કદાચ ગૃહ ખાતું સંભાળશે

મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હજી એમની કેબિનેટના પ્રધાનોને ખાતાની ફાળવણી કરી નથી.

શિવસેનાનું કહેવું છે કે સરકાર કામે લાગી ગઈ છે અને પગલાં લઈ જ રહી છે. કેબિનેટ પોર્ટફોલિયોની વહેંચણી કરવાની કોઈ ઉતાવળ નથી.

શિવસેનાનાં રાજ્ય સભાના સદસ્ય સંજય રાઉતે કહ્યું કે, શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના બનેલા ગઠબંધન મહાવિકાસ આઘાડીની સરકારમાં ખાતાની વહેંચણીનું કામ લગભગ પૂરું થઈ ગયું છે.

સૌથી મહત્ત્વનું ગૃહ ખાતું કદાચ ઉદ્ધવ ઠાકરે સંભાળશે, એવો સંકેત પણ રાઉતે આપ્યો છે. ‘હું ખાતરીપૂર્વક કહું છું કે ગૃહ ખાતું શિવસેના પાસે રહેશે અને મોટે ભાગે મુખ્ય પ્રધાન જ એ સંભાળશે. આ મહત્ત્વનું ખાતું મુખ્ય પ્રધાન પોતાની પાસે જ રાખે એવી અમારી ઈચ્છા છે, કારણ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની બાબતને ધ્યાનમાં રાખતાં એ ખાતું મહત્ત્વનું છે,’ એમ રાઉતે કહ્યું છે.

રાઉતે વધુમાં કહ્યું કે, મહેસૂલ ખાતું મોટે ભાગે કોંગ્રેસને આપવામાં આવશે. એવી જ રીતે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અનુભવી નેતાઓને પણ મહત્ત્વના ખાતાની ફાળવણી કરવામાં આવશે.

રાઉતે કહ્યું કે, અમારે ત્રણેય પાર્ટીએ સાથે મળીને રાજ્યમાં સરકાર ચલાવવાની છે. ખાતાની ફાળવણીમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી. આઘાડી સરકાર લેતી-દેતી બરાબર રીતે કરશે અને જે મોટો ભાઈ હશે એને સરકારમાં થોડુંક વધારે આપવામાં આવશે, એવું અમે સ્વીકાર્યું છે.

ભાજપના નેતા આશિષ શેલારે અગાઉ એવી ટીકા કરી હતી કે ઠાકરેની આગેવાની હેઠળની સરકાર શપથવિધિ થઈ ગયાના એક અઠવાડિયા બાદ પણ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી શકી નથી.