વસઈ-વિરારમાં માસ્ક ન પહેરનાર દુકાનદારોને રૂ. 1000નો દંડ

મુંબઈઃ મહાનગર મુંબઈમાં તો કોરોના વાઈરસને રોકવા લાગુ કરાયેલા લોકડાઉનનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. પડોશના જિલ્લાઓમાં પણ સત્તાવાળાઓ એમાં જરાય કચાશ રાખતા નથી. પાલઘર જિલ્લાના વસઈ, નાલાસોપારા અને વિરાર ઉપનગરોમાં ત્યાંની મહાનગરપાલિકાએ દુકાનદારો સામે કડક વલણ અખત્યાર કર્યું છે.

વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઉપનગરોમાં જે દુકાનદારો મોઢા પર માસ્ક ન પહેરે કે હેન્ડ સેનિટાઈઝર્સ ન રાખે એમને રૂ. 1000નો દંડ ફટકારે છે.

આવા દંડની રશીદોની અનેક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઘણા દિવસો પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત છે.

મુંબઈમાં પણ મહાનગરપાલિકાએ જાહેર સ્થળો, હોસ્પિટલો, ઓફિસો, બજાર વિસ્તારો અને વાહનમાં ટ્રાવેલ કરતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત ઘોષિત કર્યું હતું. આ નિયમનો ભંગ કરનાર સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાનાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં છે, તેમજ આ રોગચાળાને કારણે સૌથી વધુ મરણ પણ આ જ રાજ્યમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 9,318 કેસ નોંધાયા છે જ્યારે 400ના મરણ થયા છે. ભારતમાં આ બીમારીથી થયેલા મરણનો કુલ આંક 1,074 છે.