રૂફટોપ વિમાનના ઉત્પાદક કેપ્ટન યાદવ સાથે મહારાષ્ટ્ર સરકારે 35,000 કરોડનો કરાર કર્યો

મુંબઈ – અહીંથી લગભગ 100 કિ.મી. દૂર આવેલા પાલઘર જિલ્લા-શહેરમાં 20-સીટવાળા વિમાનો બનાવવા માટે એક દેશી ટેક્નોલોજીવાળી ફેક્ટરી નાખવાનું ભારતના પ્રથમ વ્યક્તિગત વિમાન ઉત્પાદક કેપ્ટન અમોલ યાદવનું સપનું હવે સાકાર થશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે અમની સાથે રૂ, 35 હજાર કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

યાદવે 2016ના ફેબ્રુઆરીમાં મુંબઈના ઉપનગર કાંદિવલીમાં પોતાના વિશાળ ફ્લેટની ટેરેસ (અગાસી) પર એક નાનકડું વિમાન બનાવીને સનસનાટી મચાવી દીધી હતી. એમણે તે વિમાનને બાદમાં મુંબઈમાં યોજાયેલા ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમમાં પ્રસ્તુત પણ કર્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે કેપ્ટન અમોલ યાદવની કંપની થ્રસ્ટ એરક્રાફ્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડિયા સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરી છે જે અંતર્ગત પાલઘરમાં ટચૂકડા વિમાનના ઉત્પાદન માટેનો પ્લાન્ટ નાખવામાં આવશે. પાલઘરને નવા એવિએશન હબ તરીકે ડેવલપ કરવાનું મહારાષ્ટ્ર સરકાર વિચારી રહી છે.

41 વર્ષીય કેપ્ટન યાદવ જેટ એરવેઝના ડેપ્યૂટી ચીફ પાઈલટ છે. મહારાષ્ટ્ર સરકાર એમની કંપનીને પાલઘરમાં પ્લાન્ટ નાખવા માટે 155 એકરની જમીન ફાળવશે.

મુંબઈમાં આયોજિત ‘મેગ્નેટિક મહારાષ્ટ્રઃ કન્વર્જન્સ 2018’ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ક્લેવમાં મહારાષ્ટ્ર સરકારે કેપ્ટન યાદવ સાથે કરાર કર્યો છે.

કેપ્ટન યાદવે બનાવેલા છ-સીટવાળા અને દેશી ટેક્નોલોજીથી બનાવેલા વિમાનને ડાયરેક્ટોરેટ-જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યું છે. પોતાના મકાનની અગાસી પર એ વિમાન બનાવતાં કેપ્ટન યાદવને છ વર્ષ લાગ્યા હતા. એમણે 2011ની સાલથી એ બનાવવાની શરૂઆત કરી હતી.

યાદવે એ વિમાન કાંદિવલીમાં પોતાના 1,600 સ્ક્વેર ફીટના 3-બેડરૂમ-હોલ-કીચનવાળા ફ્લેટની ટેરેસ પર તૈયાર કર્યું હતું.

યાદવે 2016માં મુંબઈમાં ‘મેક ઈન ઈન્ડિયા’ વખતે એ વિમાન ડિસ્પ્લે કર્યું હતું ત્યારે વિઝિટર્સની વાહ-વાહ મેળવી હતી.

2017ની 20 નવેમ્બરે મુખ્ય પ્રધાન ફડણવીસ કેપ્ટન યાદવને મળ્યા હતા અને ડીજીસીએનું સર્ટિફિકેટ એમને હાથોહાથ સુપરત કર્યું હતું. એ સાથે જ એમને રૂફટોપ બિલ્ટ એરક્રાફ્ટ પર ફિલ્ડ તેમજ હવાઈ પરીક્ષણો કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.