‘દાદર મેટ્રો સ્ટેશન’નું નામ બદલીને ‘શિવસેના ભવન’ રાખવાની સંસદસભ્યની માગણી

મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે સરકારમાં ભાગીદાર રહેલી શિવસેના પાર્ટીના એક સંસદસભ્યએ આજે માગણી કરી છે કે હાલ મુંબઈ મેટ્રો રેલવે યોજનાઓમાં જેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે તે લાઈન-3 પરના એક સ્ટેશન, ‘દાદર મેટ્રો સ્ટેશન’નું નામ બદલીને ‘શિવસેના ભવન’ રાખવામાં આવે.

આ રેલવે સ્ટેશન દાદર (વેસ્ટ)માં શિવસેનાનાં મુખ્યાલય શિવસેના ભવનની નજીક બંધાવાનું છે. હાલ એને દાદર મેટ્રો સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.

રાજ્યસભાનાં સભ્ય અનિલ દેસાઈએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક પત્રમાં આ માગણી કરી છે.

શિવસેનાનું મુખ્યાલય શિવસેના ભવન મધ્ય મુંબઈના દાદર ઉપનગરમાં પશ્ચિમ ભાગમાં આવેલું છે.

દેસાઈનું કહેવું છે કે હાલ દાદર ઉપનગરમાં, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે, બંને વિભાગ પરના બંને સ્ટેશનને દાદર નામ આપવામાં આવ્યું છે.

દેસાઈની દલીલ છે કે હાલ બે સ્ટેશનને દાદર નામ આપવામાં આવેલું જ છે તેથી મેટ્રો રેલવે સ્ટેશનને દાદર નામ આપવું ન જોઈએ અને એને બદલે શિવસેના ભવન નામ આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નવી મેટ્રો લાઈન, જે લાઈન-3 અથવા કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ લાઈન તરીકે ઓળખાવાની છે, એની પરનું એક સ્ટેશન દાદર ઉપનગરમાં પણ આવશે.

દેસાઈએ પત્રમાં લખ્યું છે કે મેટ્રો સ્ટેશન ઐતિહાસિક ઈમારત શિવસેના ભવનની નજીક જ બંધાવાનું છે. શિવસેના ભવન શિવસેના પાર્ટીના સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેએ બંધાવ્યું હતું. શિવસેના ભવનની નજીકના બસ સ્ટોપ્સને પણ શિવસેના ભવન નામ જ આપવામાં આવ્યું છે.

દેસાઈએ બીજી વાત એ કરી છે કે મેટ્રો લાઈન પરના કેટલાક સ્ટેશનોને સ્થાનિક સ્થળોનાં લોકોમાં જાણીતા થયેલા નામો જ આપવા જોઈએ જેમ કે – સાયન્સ મ્યુઝિયમ, સિદ્ધિવિનાયક અને શિતલાદેવી. તેથી આ બાબતોને ધ્યાનમાં લઈને હું પણ એવો આગ્રહ કરું છું કે દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શિવસેના ભવન રાખવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]