ભારત બનશે એ.આઈ.માં R&D હબ

ભારત માટે એ.આઈ.ના સંદર્ભમાં એક સારા સમાચાર છે. મોબાઇલ હોય કે અન્ય ટૅક્નૉલૉજી, અત્યાર સુધી ભારતીયો માત્ર વિદેશી ટૅક્નૉલૉજીનો ઉપયોગ જ કરતા હતા પરંતુ હવે ભારતમાં પણ આ ટૅક્નૉલૉજી વિકસશે. આ સમાચાર વધુ વિગતે જાણતા પહેલાં એ જાણીએ કે એ.આઈ. શું છે?એ.આઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સામાન્યતઃ યંત્રોમાં બુદ્ધિ હોતી નથી. પરંતુ તેનામાં કૃત્રિમ બુદ્ધિ આરોપિત કરી શકાય છે. ગૂગલમાં શરૂઆતમાં આપણે જે શબ્દો લખતા તેના પરથી જ શોધ થતી. પરંતુ ધીમેધીમે તેના એન્જિનિયરોએ જોયું કે કયા કયા શબ્દો લખાય છે? દરેક દેશના એન્જિનિયરો તેણે રાખ્યા. જે તે દેશના એન્જિનિયરોને તેમના દેશની ભાષા તો આવડતી જ હોય. તેના પરથી ગૂગલમાં સ્પેલિંગમાં સુધારો થવા લાગ્યો. કયા દેશના લોકો કઈ બાબતની શોધ વધુ કરી શકે છે તેનો અભ્યાસ કરી એકાદ અક્ષર લખતાવેંત નીચે સૂચનો આવવા લાગ્યા.

તે પછી ફેસબુક આવ્યું. તેથી લોકોની પસંદ, નાપસંદ વધુ ખબર પડી. તે પછી ઇન્સ્ટાગ્રામ, લિન્ક્ડઇન વગેરે આવ્યાં. આમ, જેમ જેમ સૉશિયલ મિડિયા અને ઇન્ટરનેટની જાળ વધી તેમ તેમ લોકોની પસંદ-નાપસંદ વધુ ખ્યાલ આવવા લાગી.

આના પરથી એ.આઈ.ના ક્ષેત્રે વધુ વિકાસ થવા લાગ્યો. તેમાં એમેઝૉને એલેક્સા આવ્યું. તેને એ.આઈ.ની મદદથી અને ગૂગલ વગેરેની સાથે જોડીને વિકસાવાયું. આથી તેમાં એલેક્સા કહીને કોઈ કમાન્ડ આપો એટલે તે કમાન્ડ પ્રમાણેનું કામ કરી આપે. તમે સંગીતનું કહો તો તે સંગીત સંભળાવે, તમે સમાચારનું કહો તો તે તમને મુખ્ય મથાળાં વાંચીને સંભળાવશે. તેને લાઇટની સાથે જોડી દો તો તમારે લાઇટ ચાલુ બંધ કરવા ઊભા નહીં થવું પડે. તે જ લાઇટ ચાલુ બંધ કરી દેશે. એમેઝોનના એલેક્સા ઉપરાંત ગૂગલનું ગૂગલ આસિસ્ટન્ટ અને એપલનું સિરી આવા જ અંગત સહાયકો જેવાં છે. તેમાં હવે તો એટલી પ્રગતિ થઈ છે કે તમે એક જ કમાન્ડ દ્વારા તમારી દિનચર્યાનાં કામો કરાવી શકો છો. તેના વિશે પણ ‘ચિત્રલેખા’ની વેબસાઇટ પર તમે વાંચી ગયા છો.

આ જ રીતે અગાઉ chitralekha.com પર એ.આઈ.વાળા રૉબૉટ લંડનના ગેટવિક ઍરપૉર્ટ પર મુસાફરની કાર પણ પાર્ક કરી દેશે તે લેખ તમે વાંચી ગયા. ( httpss://goo.gl/7zqB3M ) આ માટે રૉબૉટને એ.આઈ.ની જરૂર વધારે પડે. આ ઉપરાંત તમે જે સ્માર્ટફૉન વાપરો છો તેમાં પણ એ.આઈ.નો ઉપયોગ વધુ થાય છે. જેમ કે તમે જેમની સાથે ફૉન પર વધુ વાત કરતા હશો તે તમારા ફૉનમાં ફેવરિટની યાદીમાં આવી જાય છે. આથી તમારે આ લોકોને ફૉન કરવા માટે કૉન્ટેક્ટની યાદી ખંખોળવી પડતી નથી. કે નથી તમારે ફૉન નંબર ડાયલ કરવો પડો. પરંતુ તમારે ફેવરિટમાંથી તમારે જેમને ફૉન કરવો હોય તે ચિત્ર પર સ્પર્શ જ કરવાનો રહે છે.

એ.આઈ. અને તેની ઉપયોગિતા (ઍપ્લિકેશન્સ) વિશે આટલું જાણ્યા પછી હવે ભારતના સંદર્ભમાં સારા સમાચાર જાણીએ. તાઇવાન સ્થિત ફૉક્સકૉન્ન ટૅક્નૉલૉજીની પેટા કંપની ફૉક્સકૉન ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કં. લિ. ભારતમાં આધુનિક ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર સ્થાપવા જઈ રહી છે. આનંદની વાત એ છે કે આ સંશોધન અને વિકાસ કેન્દ્ર હશે. અર્થાત્ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સંશોધન અને વિકાસ થશે.

તેનાથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ, મોબાઇલ ફૉન, આઈઓટી (અર્થાત્ વાહનો તેમજ ઘરનાં ઉપકરણો વગેરેનું નેટવર્ક જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય), એ.આઈ., નેટવર્ક ટ્રાન્સમિશન અને સ્વયંચાલિત રૉબોટ વગેરેને જોડવા અને સમાવવાના દૃષ્ટિબિંદુથી ટૅક્નૉલૉજીકીય સેવાઓ અને સ્માર્ટ મેન્યુફૅક્ચરિંગ ઉકેલો મળશે.

ફૉક્સકૉન્ન આ કેન્દ્ર હૈદરાબાદમાં સ્થાપશે. તેલંગણા રાજ્યના આઈટીઇ એન્ડ સી મંત્રાલયની ઇલેક્ટ્રૉનિક્સ પાંખ આઈ.ટી. અને ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે વિકાસ કરી રહી છે જેથી કંપનીએ આ સ્થળ પસંદ કર્યું છે.

આનાથી એવી આશા જાગી છે કે હવે ભારત ધીમેધીમે ઔદ્યોગિક એ.આઈ. અને ઔદ્યોગિક આઈઓટી માટે વૈશ્વિક કેન્દ્ર બની જશે કારણકે ભારતમાં શૈક્ષણિક અને ટૅકનૉલૉજીના ક્ષેત્રે ભરપૂર પ્રતિભાઓ રહેલી છે તેમજ શિક્ષણ અને ઉદ્યોગ જગત તરફથી મદદ પણ મળી રહે છે.