મુંબઈઃ મુંબઈમાં કોવિડના દરદીઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો હોવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સખાવતી કાર્ય કરનારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને સારવાર માટેની સજ્જતા વધારી દીધી છે અને આ રોગચાળા સામેની સરકારની લડતને વધુ મજબૂત બનાવી છે.
- સર એચ.એન. હૉસ્પિટલ એનએસસીઆઇ ખાતે 650 બેડ (પથારી)ની સુવિધાનું સંચાલન કરશેઃ
- રિલાયન્સ ફાઉન્ડેશન નવાં 100 આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) બેડ તૈયાર કરશે અને તેમાં દરદીઓની સારવાર માટેની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળશે. આ સુવિધા 15 મે, 2021થી તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.
- સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ હાલમાં કાર્યરત લગભગ 550 બેડના વોર્ડનું સંપૂર્ણ કામકાજ 1 મેથી પોતાના હસ્તક લઈ લેશે.
- સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કોવિડના દરદીઓ માટે કુલ લગભગ 650 બેડને લગતું સંપૂર્ણ કામકાજ સંભાળી લેશે.
- દરદીઓની સર્વાંગી સારવાર માટે ડૉક્ટરો, નર્સ તથા બિન-તબીબી પ્રોફેશનલ્સ મળીને 500 કરતાં વધુ સભ્યોની ટુકડી ચોવીસે કલાક સેવારત રાખવામાં આવશે.
- આઇસીયુ બેડ અને તેની સાથેનાં મોનિટર, વેન્ટિલેટર તથા તબીબી ઊપકરણો સહિતનો આ પ્રૉજેક્ટનો સંપૂર્ણ ખર્ચ તથા 650 બેડનો ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉપાડી લેશે.
- એનએસસીઆઇ તથા સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોવિડના તમામ દરદીઓની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે.
- ગયા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં સેવન હિલ્સ હૉસ્પિટલ ખાતે કોવિડના દરદીઓ માટે ખાસ 225 બેડની વ્યવસ્થા કરી હતી. એ 225 બેડમાંથી 20 આઇસીયુ બેડ સહિત 100 બેડનું સંચાલન સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે કર્યું હતું.
સેવન હિલ્સ હૉસ્પિટલમાં હવે 25 આઇસીયુ બેડ ઉમેરવામાં આવ્યાં છે. આ વિસ્તરણને પગલે કુલ 125 બેડનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કરશે, જેમાં 45 આઇસીયુ બેડ હશે.
3. નહીંવત્ લક્ષણો, ઓછાં લક્ષણો અને મધ્યમ સ્વરૂપનાં લક્ષણો ધરાવતા દરદીઓની સારવાર માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની માર્ગદર્શિકા અનુસાર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેની ટ્રાઇડન્ટ હોટેલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દ્વિતીય હરોળની આ સુવિધા ખાતે કાર્યરત લોકોની તથા બેડના સંચાલનની વ્યવસ્થા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કરશે.
એકંદરે, રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ એનએસસીઆઇ, સેવન હિલ્સ હૉસ્પિટલ અને બીકેસીમાં ટ્રાઇડન્ટ ખાતે 145 આઇસીયુ બેડ સહિત લગભગ 875 બેડની વ્યવસ્થા સંભાળશે.
મુંબઈમાં કોવિડના દરદીઓની સારવાર માટે કોઈ સખાવતી સંસ્થાએ આપેલું આ સૌથી મોટું યોગદાન છે.
કોવિડ માટે વધારી દેવાયેલી આ સુવિધાઓ વિશે રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીએ કહ્યું છે કે, “રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશાં રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યું છે. આ રોગચાળા સામેની ભારતની અવિરત લડાઈમાં સાથ-સહકાર આપવાની અમારી ફરજ છે. અમારા ડૉક્ટરો અને ફ્રન્ટલાઇન આરોગ્ય સેવાકર્મીઓએ અથાક પરિશ્રમ કર્યો છે અને જરૂરિયાતમંદોને ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડીને લોકોના જીવ બચાવ્યા છે.”
નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું, “અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દમણ, દીવ તથા નગર હવેલીને સંપૂર્ણપણે વિનામૂલ્યે રોજ 700 મેટ્રિક ટન ઑક્સિજન પૂરો પાડી રહ્યા છીએ. આ પ્રમાણ હવે વધારવામાં આવી રહ્યું છે. ભારત અને મુંબઈ માટેના આ કસોટીભર્યા સમયમાં ભારતીય તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવવા કટિબદ્ધ છીએ. દેશવાસીઓની સેવા કરવા માટે અમે પોતાનાથી થાય એ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. “કોરોના હારેગા, ઇન્ડિયા જીતેગા!”. ગયા વર્ષે અમે ‘અન્ન સેવા’ શરૂ કરી હતી, જે 5.5 કરોડ ટંકનું ભોજન વિતરીત કરવા માટેનું વિશ્વનું સૌથી મોટું અભિયાન હતું.
રિલાયન્સ ફાઉન્ડેશને કોવિડ વિરુદ્ધની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે અહીં જણાવ્યા પ્રમાણેની બીજી પણ અનેક પહેલ કરી છેઃ
- રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં દેવનાર ખાતે સ્પંદન હોલ્સ્ટિક મધર ઍન્ડ ચાઇલ્ડ કૅર હૉસ્પિટલમાં કોવિડના દરદીઓની સારવાર માટે નવી સુવિધા સ્થાપવામાં સહયોગ આપ્યો હતો.
- સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી મુંબઈમાં એચ. બી. ટી. ટ્રોમા હૉસ્પિટલ ખાતે ખાસ 10 બેડનું ડાયાલિસીસ સેન્ટર ઊભું કર્યું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય સર્જનાત્મક અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા દેશના વિકાસની સામેના પડકારો ઝીલવામાં સહાયક ભૂમિકા ભજવવાનો છે. સંસ્થાનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન સૌ ભારતીયોની સુખાકારી તથા ઉંચા જીવનધોરણ માટેનાં પરિવર્તનો લાવનારાં કાર્યો અવિરતપણે કરી રહ્યું છે.