મુંબઈઃ 2008ની 26 નવેમ્બરે મુંબઈ શહેરમાં કરવામાં આવેલા ભયાનક ત્રાસવાદી હુમલાઓની આજે સમગ્ર દેશ 12મી વરસી મનાવી રહ્યો છે. 12 વર્ષ પહેલાં બરાબર આજના જ દિવસે પાકિસ્તાનમાંથી ઘૂસી આવેલા 10 ત્રાસવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. તે આત્મઘાતી હુમલાઓમાં ત્રાસવાદીઓએ દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી તાજ હોટેલને પણ ટાર્ગેટ બનાવી હતી. અંદર ઘૂસી ગયેલા ત્રાસવાદીઓએ અનેક કલાકો સુધી ગોળીબાર કરીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી.
આજે એ હુમલાઓની વરસીએ તાજ હોટેલની પિતૃ કંપની તાજ સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુશ્મનો પર જીત હાંસલ કરવામાં જે લોકોએ મદદ કરી હતી, અમે એમના બલિદાનને હંમેશાં યાદ રાખીશું.’ રતન ટાટાએ મુંબઈના શહેરવાસીઓના જુસ્સાની સરાહના કરી છે અને કહ્યું છે કે આપણી આ એકતાને આપણે સંભાળી રાખવાની જરૂર છે.
રતન ટાટાએ પોતાની પોસ્ટ સાથે તાજ હોટેલની તસવીર શેર કરી છે અને એની પર અંગ્રેજીમાં લખ્યું છેઃ ‘અમને યાદ છે.’ એમણે વધુમાં લખ્યું છે કે, આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો હતો, એને ક્યારેય ભૂલી શકાશે નહીં. પરંતુ વધારે યાદગાર છે તે એ છે કે એ દિવસે આતંકવાદ અને વિનાશનો ખાત્મો કરવા માટે મુંબઈના લોકો તમામ મતભેદો ભૂલી જઈને સંગઠિત થયા હતા. આપણે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મનો પર જીત હાંસલ કરવા માટે બલિદાન આપ્યું, એમનો આપણે જરૂર શોક કરીશું, પરંતુ આપણે તે એકતા, દયાભાવ અને સંવેદનશીલતાની પણ સરાહના કરવી પડશે જેને આપણે યથાવત્ રાખવી જોઈએ અને આશા રાખું છું કે આવનારા દિવસોમાં એમાં વધારો થતો રહેશે.
