મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતા દેશભરમાં ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એને કારણે તમામ વ્યવસાયો, ધંધા ઠપ થઈ ગયા હતા. બાદમાં કોરોનાનો ચેપ ઘટી રહ્યો હોવાનું જણાતા અનલોક પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તે અંતર્ગત દેશના અન્ય રાજ્યોની સાથે મહારાષ્ટ્રમાં પણ તબક્કાવાર ઘણા વ્યવસાયો, ધંધા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ જિમ્નેશિયમ્સ હજી પણ ચાલુ કરવા દેવામાં આવ્યા નથી. લગભગ સાડા ચાર મહિનાથી વ્યાયામશાળાઓ બંધ છે.
મહારાષ્ટ્રમાં જિમ્સ ફરી શરૂ કરવા દેવામાં આવે એવી માગણી જિમ માલિકો કરી રહ્યા છે. એમના પ્રતિનિધિઓ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને એમના નિવાસસ્થાન ‘કૃષ્ણકુંજ’ ખાતે જઈને મળ્યા હતા.
કેન્દ્ર સરકારે તો જિમ્સને ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે હજી રાજ્યમાં શરૂ કરવાની પરવાનગી આપી નથી.
પરિસ્થિતિ વિશે જાણકારી મેળવ્યા બાદ રાજ ઠાકરેએ જિમ એસોસિએશન તથા એના સભ્યોને સલાહ આપી હતી કે હું તમને જિમ શરૂ કરવાની પરવાનગી આપું છું. તમે જિમ્સ ચાલુ કરી દો, આપણે જોઈએ શું થાય છે તે. બધી સેવાઓને તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવી છે, પણ સરકારે હજી સુધી જિમ્સને ફરી શરૂ કરવાની પરવાનગી આપી નથી.
જિમના ધંધાર્થીઓ તથા બોડીબિલ્ડરો સાથે વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મેં રાજ્યના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી છે. એમણે પણ કહ્યું છે કે જિમ્સને ફરી શરૂ કરવા દેવા જોઈએ. હવે હું તમને કહું છું કે તમે જિમ ફરી શરૂ કરી દો, જે કોઈને જરૂર હશે એ જિમમાં આવશે. જોકે તમારે કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની કાળજી રાખવી પડશે.