રેલવે-મહારાષ્ટ્ર સરકાર કદાચ લાવશે ‘યૂનિવર્સલ ટ્રાવેલ પાસ’

મુંબઈઃ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ માટે એક નવું આઈડેન્ટિટી કાર્ડ આવશે જેમાં પાસધારકનો ફોટો હશે અને સાથે QR કોડ હશે. આ યોજના પર રેલવે તંત્ર અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને કામ કરે છે. મુંબઈ તેમજ મહાનગરના મેટ્રોપોલિટન રીજનમાં વસતા લોકો એક ‘યૂનિવર્સલ ટ્રાવેલ પાસ’ રાખી શકશે જે દ્વારા તેઓ લોકલ ટ્રેનો, મેટ્રો ટ્રેનો અને મોનોરેલ ટ્રેનોમાં સફર કરી શકશે.

આવા પાસ પર લેવલ નંબર દર્શાવવામાં આવશે. દાખલા તરીકે, જો પાસ લેવલ-3 હશે તો પાસધારક 1, 2 અને 3 લેવલની ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. 2-લેવલનો પાસ હશે તો એમાં 1 અને 2 લેવલ અંતર્ગત ટ્રેનોમાં જ સફર કરી શકશે. લેવલ-5 પાસધારકને તમામ લેવલની ટ્રેનોમાં પ્રવાસ કરવા મળશે. ટિકિટચેકર કોઈ પણ સ્માર્ટફોનની મદદથી QR કોડ રીડરનો ઉપયોગ કરીને પાસ સ્કેન કરી શકશે. પાસને જેવો QR કોડ રીડર પર મૂકશે કે ડિસ્પ્લે થશે કે પાસ સંબંધિત લેવલ માટે માન્ય છે કે નહીં. આમ, નકલી પાસ લઈને સફર કરવું અશક્ય બની જશે. ગેરકાયદેસર પાસ પર સફર કરનાર પાસેથી દંડની રકમ વસૂલ કરવાની તમામ રેલવે સત્તાવાળાઓને સત્તા આપવામાં આવશે.